Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજયમાં ચારેક દિવસમાં કોરોનાના કુલ કેસ પ૦,૦૦૦ થઇ જશે

ગુજરાતમાં માર્ચમાં ૭૪, એપ્રિલમાં ૪,૩ર૧, મેમાં ૧ર,૩૯૯ અને જુનમાં ૧પ,૮૪૯ કેસ નોંધાયા હતા

અમદાવાદ, તા.૧૮: ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી  દીધો છે. હવે તો રોજેરોજ કોરોનાના કેસમાં  નવો રેકોર્ડ નોંધાઇ રહ્યો છે. ગઈ કાલે રાજયમાં  કાચોનાના નવા ૯૪૯ કેસ નોંધાતાં હવે કોરોનાના  કુલ ૪૬,૫૧૬ કેસ થયા છે. જે પ્રકારે રાજયમાં  કોરોનાએ તેજ રફતાર પકડી છે તેને જોતાં  આગામી ચારેક દિવસમાં કોરોનાના ૫૦,૦૦૦  કેસનો વિસ્‍ફોટ થાય તેવી શક્‍યતા છે.   

ગુજરાતમાં કોરોનાના કેસના મામલે હવે  અમદાવાદ કરતાં સુરતમાં વધારે કેસ નોંધાઇ  રહ્યા છે. સુરતમાં જૂન મહિનાના અંત સુધીમાં  કુલ ૪,૮૨૯ કસ હતા, જે હવે ૯,૧૪૧ થતાં  જુલાઇના ૧૭ દિવસમાં નવા ૪,૩૧૩ કેસ નોંધાયા  છે, જયારે અમદાવાદમાં આટલા સમયગાળામાં  ૩,૦૫૧ કેસ નોંધાયા છે.  

જોકે ગુજરાતમાં કોરોના અટકવાનું નામ લેતો    નથી. રાજયના વધુ ને વધુ ગ્રામીણ વિસ્‍તાર અને  નાનાં શહરોમાં કારોના ફેલાઈ રહ્યો છે, જેના કારણે  હવે સ્‍થાનિક લોકો સ્‍વૈચ્‍છિક લોકડાઉન પાળી રહ્યા  છે. ગુજરાતમાં ગત તા.૧૭ માર્ચે કોરોનાનો પહેલો  કેસ નોંધાયો હતો. માર્ચ મહિનાના છેલ્લા ૧૩  દિવસમાં રાજયમાં માત્ર ૭૪ કેસ નોંધાયા હતા, જે   પૈકો અમદાવાદમાં ૨૧ કેસ હતા, જયારે એપ્રિલમાં    રાજયમાં નવા ૪,૩૨૧ કેસ નોંધાયા હતા, જેમાં  ૩,૦૦૪ કેસ સાથે અમદાવાદનો ૬૯.૪૯ ટકાનો  ફાળો હતો. મે મહિનામાં કોરોનાનું સંક્રમણ વધતાં  રાજયમાં નવા ૧૨,૩૯૯ કેસ મળ્‍યા હતા. તે  મહિનામાં પણ અમદાવાદમાં ૭૩.૮૨ ટકા સાથે  ૯,૧૫૪ કેસ નોંધાયા હતા, જયારે ગત જૂન  મહિનામાં રાજયમાં નવા ૧૫,૮૪૯ કેસ થતાં  રાજયમાં કુલ ૩૨,૬૪૩ કેસ નોંધાયા હતા.   

જયારે ચાલુ જુલાઇ મહિનામાં તો રાજયમાં  જાણે કે દરરોજ કોરોના વિસ્‍ફોટ થઈ રહ્યો  હોય તેવી ગંભીર સ્‍થિતિ સર્જાઈ છે. છેલ્લા ૧૭  દિવસમાં જ કોરોનાના નવા ૧૩,૮૪૩ કેસ  નોંધાઇ ચૂક્‍યા હોઇ અત્‍યારે કુલ ૪૬,૫૧૬ કેસ  થયા છે અને આ રીતે જો કોરોનાના કેસમાં  દરરોજ નવો રેકોર્ડ નોંધાતો જશે તો ચોક્કસથી  આગામી ચારેક દિવસમાં કોરોનાના અડધો લાખ    કેસ નોંધાઈ જશે.

(4:07 pm IST)