Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ધનવંતરી રથ બાદ હવે જાગૃતિ રથ

લોકોમાં કોરોના વિષયક જાગૃતિ લાવવા કલાકારો સાથે રથ નીકળશે : ડો. ધીરજ કાકડિયા

રાજકોટ તા. ૧૮ : ગુજરાતમાં રજિસ્ટર્ડ સંગીત અને નાટ્ય વિભાગના ૬૪ ટ્રુપ સાથે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, અમદાવાદ અને યુનિસેફના સંયુકત ઉપક્રમે કોરોના જાગૃતિ અભિયાનમાં પરંપરાગત માધ્યમની ભૂમિકા વિષય પર વેબીનાર યોજાઈ ગયો. આ વેબીનારને સંબોધતા ગુજરાત રીજનલ, પી.આઈ.બીના અપર મહાનિર્દેશક ર્ડા. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના મહામારીને નાબૂદ કરવા ગુજરાતમાં ખૂણે-ખૂણે કોરોના જાગૃતિ રથ વાન શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આનાથી કોરોના સમયગાળામાં લોકોમાં જાગૃતિ આવશે. સોશિયલ ડિસ્ટન્સ રાખી જયાં માહિતીનો અભાવ હશે ત્યાં આ રથ ફરશે અને માહિતી પ્રદાન કરશે. આ સાથે નાટક, ભવાઈ, ડાયરો તેમજ મેજીક દ્વારા કલાકારો કોરોના મહામારી સંબંધિત વિસ્તૃત માહિતી પૂરી પાડશે.

આર.ઓ.બી.ના ડાયરેકટર ઈન્ચાર્જ સરિતા દલાલે જણાવ્યું હતું કે, કોરોના ના થાય તે માટે સાવચેતી અને સતર્કતા જરૂરી છે. વડીલોનો મૃત્યુદર વધી રહ્યો છે તે માટે શું-શું ધ્યાન રાખવું, તે માટે યુવાનોને ખાસ જાગૃત કરવાની જરૂર છે. કલાકારો દ્વારા જનતામાં મેસેજ પહોંચાડવાના છે કે, લોકો સરકારની માહિતી અને આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈનને જ સાચી માનીને અનુસરે અને એનો જ વિશ્વાસ રાખે.

યુનિસેફના કોમ્યુનિકેશન અધિકારી  વિજય શંકરે કલાકારોને સંબોધતા જણાવ્યું હતું કે, આપણે બધાએ કોરોના મહામારીના લીધે ડીજીટલ ઓનલાઈન પર કામ કરવું પડી રહ્યું છે. કોરોનાએ લોકોની જીંદગી બદલી નાખી છે. યુનિસેફ ૭૦ વર્ષથી આરોગ્ય, શિક્ષણ, મહિલા, બાળકો માટે કામ કરી રહ્યું છે. કોરોનાએ બધાની ટેવ સુધારી દીધી છે. પરિવર્તન લાવવા કોમ્યુનિકેશનની મોટી ભૂમિકા રહી છે. જન-જાગૃતિ રથ ગુજરાતમાંથી કોરોના વાયરસની કડીને તોડી દેશે. દરેક લોકો સુધી કલાકારોએ કોરોના ના થાય અને તેના વિશેની સાવચેતીના મેસેજ લઈ જઈને સમજાવવાનું છે.

(3:33 pm IST)