Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અજગરે એકસાથે ૨૮ ઇંડા આપ્યાઃ વનવિભાગે દેખરેખ કરી

અજગર અને બચ્ચાઓને જંગલમાં છોડી દીધા

નવસારીઃ તા.૧૮, નવસારીના એક ગામના ખેતરમાંથી વન વિભાગને એક પાઈપની અંદરથી માદા અજગર સાથે ૨૮ ઈંડા મળ્યા હતા. ત્યારબાદ ૭૦ દિવસ સુધી વન વિભાગે તેની દેખરેખ રાખી અને પછી ઈંડાઓમાંથી ૨૮ અજગર સ્વસ્થ અને સુરક્ષિત બહાર નીકળ્યા. એ બધા જ અજગરના બચ્ચાઓને વન વિભાગે જંગલમાં સુરક્ષિત છોડી દીધા હતા.

આ ઘટના છે નવસારી જિલ્લાના અંભેટા ગામની. અહીં અંભેટા ગામના રહેવાસી એક ખેડૂતે પોતાના ખેતરમાં પડેલા જૂના પાઈપમાં એક અજગરને જતા જોયો. ત્યારબાદ તેને કંઇક શંકા ગઈ અને તેણે આ ઘટનાની જાણકારી વાઈલ્ડ લાઈફ વોલિયન્ટરને આપી. માહિતી મળતા જ વાઈલ્ડ લાઈફ વોલિયન્ટર ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી. તેમણે જોયુ કે માદા અજગર એ જૂના પાઈપમાં બેઠી છે. સાથે જ તેની નીચે ઘણાં બધા ઈંડા પણ છે. વાઈલ્ડ લાઈફ વોલિયન્ટરનું કહેવું હતું કે માદા અજગર ઘણાં બધા ઈંડાઓ પર બેઠી હતી, તો એવામાં તેને હટાવવું યોગ્ય ન લાગ્યુ.

વાઈલ્ડ લાઈફ વોલિયન્ટરે આ બાબતની જાણકારી નવસારી વન વિભાગના અધિકારીઓને આપી. ત્યારબાદ લગભગ ૨ મહિના કરતા વધારે સમય સુધી એટલે કે ૭૦ દિવસ સુધી સતત વાઈલ્ડ લાઈફ વોલિયન્ટર આ ઈંડાઓની દેખરેખ કરતા રહ્યા. આખરે ૭૦ દિવસો બાદ જયારે માદા નર નીકળી તો વાઈલ્ડ લાઈફ વોલિયન્ટર પાઈપની તપાસ કરી. તેમણે જોયુ કે ત્યાં ૨૮ અજગરના બચ્ચા છે. અજગરના બધા ૨૮ બચ્ચા સુરક્ષિત અને સ્વસ્થ હતા. ત્યારબાદ છેલ્લી પ્રાથમિક તપાસ બાદ એ બધા ૨૮ અજગરના બચ્ચાઓને સુરક્ષિત રીતે જંગલમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  તેમ ગણદેવીના રાઉન્ડ ફોરેસ્ટર શ્રી જે.બી. ટેલરે જણાવ્યું હતુ.

(3:33 pm IST)