Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

હવે સુરતના કાપડ ઉદ્યોગકારે કોરોના પ્રિન્ટની સાડી પણ બનાવી

કોરોના પ્રિન્ટની સાડીની ડિમાન્ડ એટલી વધી કે ૮ લાખ મીટર કપડા ઉપર કોરોનાની પ્રિન્ટ કરવી પડી

સુરત, તા.૧૮: કોરોના વાયરસના સંક્રમણના કારણે એક તરફ કાપડ ઈન્ડસ્ટ્રી પાસે નવું ઉત્પાદન નથી. ત્યાં શહેરના ગણતરીના ઉત્પાદકો કાપડ પ્રોડકશનમાં નવું ઈનોવેશન લાવી રહ્યા છે. શહેરના પલસાણાની ભાસ્કર મિલના કાપડ ઉત્પાદક અશોક ટીબરેવાલ દ્વારા કોરોના વાયરસની ડિઝાઈનવાળી સાડી, લહેંગા અને ડ્રેસ તૈયાર કર્યુ છે. જે એકમાત્ર સુરતમાં જ પરંતુ તે સાથે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ ડિમાન્ડમાં છે.

હાલ શહેરના કાપડ ઉત્પાદકો પાસે જયાં એક તરફ માસ્ક અને પીપીઈ સુટ તૈયાર કરવાની સાથે જુના કાપડના ઓર્ડરને કિલયર કરવાનું કામ મર્યાદિત પ્રમાણમાં છે. ત્યાં શહેરના પલસાણા ખાતે આવેલી તાતીથૈયામાં મિલ ધરાવતાં કાપડ ઉત્પાદક અશોક ટીબરેવાલે કોરોનાની પ્રિન્ટવાળી સાડી બનાવીને મોટા પ્રમાણમાં પ્રોડકશન શરૂ કરી દીધું છે. આ અંગે ઉદ્યોગકાર અશોક ટીબરેવાલ જણાવે છે કે, દેશમાં બનતાં મોટા ઈવેન્ટની પ્રિન્ટવાળી સાડી દેશના વિવિધ કાપડ માર્કેટમાં પ્રચલિત બની છે. ત્યારે આ વખતે કોરોના વાયરસની ડિઝાઈનવાળું કાપડ તૈયાર કરવાનો વિચાર ઉદ્દભવ્યો હતો. જેના આધારે અમે સૌ પ્રથમ ૨ લાખ મીટર કાપડનો ઓર્ડર પૂર્ણ કર્યો હતો. ધીરે-ધીરે તેની ડિમાન્ડ વધતાં આજે અમારી પાસે કુલ ૮ લાખ મીટર કોરોના વાયરસની ડિઝાઈનવાળા કપડાની ડિમાન્ડ છે. જેમાંથી ખાસ કરીને લહેંગા, ઘાઘરા, સાડી અને ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે. સુરતની સાથે રાજયમાં તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ હાલ અમારું કાપડ ડિમાન્ડમાં છે. અત્યાર સુધી અમે ૫ લાખ મીટરનો ઓર્ડર પૂર્ણ કરી દીધો છે. આવનારા દિવસમાં અમે બાકીનું ૩ લાખ મીટર કાપડનો પણ ઓર્ડર પૂર્ણ કરી દઈશું.

(3:32 pm IST)