Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ગુજરાતનું ધન્વંતરી રથ મોડેલ રાષ્ટ્રીય કક્ષાએ અપનાવાશે : AIMSની ટીમ પ્રભાવિત

ગુજરાતમાં કોરોના સમીક્ષા માટે આવેલી કેન્દ્રીય ટીમનાં ડો. રણદિપ ગુલેરિયા અને ડો. વિનોદ પટેલે ગુજરાતમાં ધનવંતરી રથ, આરોગ્ય સેતુ એપ, ડોર-ટુ-ડોર સર્વે, આઇ.સી.યુ. સહિતની સુવિધાઓની પ્રસંશા કરી

રાજકોટ તા. ૧૮: રાજયમાં કોરોનાની સમીક્ષા માટે આવેલી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સુરત અને અમદાવાદની સમીક્ષા બાદ ગાંધીનગર પહોંચી હતી. સ્વર્ણિમ સંકુલ-૧માં તેમણે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. કોવિડની સારવાર અંગે એકસપર્ટ ગ્રુપ ઓફ ડોકટર્સની કમિટી સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય ટીમે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કેન્દ્રીય ટીમના સભ્ય વિનોદ પૌલ, AIIMS ના ડોકટર રણદીપ ગુલેરિયા સહિતના ડોકટર અને રાજય આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ ઉપસ્થિત રહ્યા હતા. સુરત, અમદાવાદ અને ગાંધીનગરની સમીક્ષા બાદ કેન્દ્રીય ટીમના વિનોદ પૌલે ગુજરાતની કામગીરીના વખાણ કર્યા હતા. તો રાજયના જિલ્લાઓમાં અપનાવવામાં આવેલ ધનવંતરી રથ જેવા મોડલને કેન્દ્ર લેવલે શરૂ કરવાની પણ વાત કરી હતી.

કેન્દ્રીય આરોગ્યની ટીમે સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસ મુદ્દે સમીક્ષા કરી હતી અને AMC ની સર્વેલન્સ રણનીતિથી બદલાવ આવ્યો હોવાનો કેન્દ્રની ટીમે સ્વીકાર કર્યો હતો. કેન્દ્રીય આરોગ્ય ટીમે પ્રેસ કોન્ફરન્સ કરીને વિનોદ પૌલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ હજુ ઘણા મહિના રહેશે. કોરોના વધે તો તે માટે તૈયાર રહેવું પડશે. કોરોના સામેની લડાઇ સૌ સાથે મળીને લડીશું. ગુજરાતની ટીમે કોરોનાને લઇને સારી કામગીરી કરી છે. ગુજરાતમાં હકારાત્મક પ્રેકિટસ જોવા મળી છે. આપણે વ્યસન જેવી ખરાબ આદતો બદલવી પડશે. જો કોરોનાની આવી સ્થિતિ યથાવત રહે તો ડોકટર્સની અછત સર્જાય શકે છે. જેથી સ્ટુડન્ટ્સને તૈયાર કરવામાં આવે. શ્રમિકો હવે પોતાના કામ પર પરત ફરી રહ્યા છે.

ધનવંતરી રથ પ્રેકિટસની પ્રશંસા

શ્રી પૌલે કહ્યું હતું કે, ધનવંતરી રથની કામગીરી ખુબ જ શ્રેષ્ઠ છે. આ પ્રકારની પ્રેકિટસ કેન્દ્રીય લેવલે પણ શરૂ કરીશું. અમે સુરતમાં ડોકટર્સની મુલાકાત કરી હતી. સુરત ગ્રામ્ય અને શહેરના અધિકારીઓને મળ્યા હતા. ખાનગી હોસ્પિટલ ભાગીદારી સાથે સારી કામગીરી કરી રહી છે. હીરા, ટેકસટાઇલ્સ માટે સારા નિયમો બનાવવામાં આવ્યા છે.

ધનવંતરી રથ, બહુ જ સારૂ મોડલ છેઃ રણદીપ ગુલેરિયા

AIIMS ના ડોકટર રણદીપ ગુલેરીયાએ કહયું કે, આ મારી બીજી ગુજરાત મુલાકાત છે. ગત મુલાકાત કરતા આ વખતે રાજયની ખુબ સારી કામગીરી લાગી રહી છે. અમદાવાદમાં જે સ્ટેટર્જી બની છે, કોર્પોરેશને કામગીરી કરી છે તે અન્ય શહેરોમાં પણ કરવામાં આવે. ડોર ટુ ડોર સર્વેલન્સ જેવી કામગીરી ખૂબ જ સારૂ પરિવર્તન છે. ICU ની સુવિધાઓમાં વધારો થયો છે. ધનવંતરી રથ બહુ જ સારૂ મોડલ છે. ખૂબ એવા દર્દીએ જેમને અલગ અલગ બિમારીઓ છે, તેમની સરખી સારવાર નથી થઇ રહી. તેથી આ ધન્વંતરી રથથી નોક કોવિડ રથથી સુવિધા મળી છે. ટ્રિટમેન્ટ રેગ્યુલર મળી રહી છે.

વધુમાં તેમણે કહયું કે, અમદાવાદમાં કેસ ઓછા થયા છે. અમે અમદાવાદની કામગીરી સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અમદાવાદ સહિત જિલ્લાઓમાં આરોગ્ય સેતુનું સારો ઉપયોગ થઇ રહ્યો છે. કમ્યુનિટી આઇસોલેશન વોર્ડનો કોન્સેપ્ટ સારો છે. તો અર્બન હેલ્થ મોડલ ગુજરાતમાંથી ઉભરી આવ્યું છે. ગાંધીનગર બેઠકમાં મૃત્યુદર અને પ્લાઝમા અંગે ચર્ચા થઇ છે. મૃત્યુદરમાં ઉતરોતર ઘટાડો થઇ રહ્યો છે, અહીંની ટીમ સારવારને સતત અપડેટ કરી રહી છે. તેમ તેઓએ જણાવેલ.

(3:32 pm IST)