Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સરકારની પ્રાથમિકતા જનતા નહિ પરંતુ પેટા ચૂંટણી જીતવાની છે : અમદાવાદ કોંગ્રેસના પ્રવકતાની સટાસટી

શું સરકાર કુંવરજીભાઇને દંડ ફટકારશે ? : જયરાજસિંહના આકરા પ્રહારો

રાજકોટ તા. ૧૮ : અમદાવાદ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે રાજ્યના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા સામે આક્ષેપો કરીને કોરોના મહામારી સમયે માસ્ક ન પહેરીને પ્રચાર કરતા હોવાનું જણાવીને સરકાર તેમને દંડ ફટકારશે કે નહિ તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.

પેટાચૂંટણી યોજાય તે પહેલાં કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મંત્રી કુંવરજી બાવળિયા પેટાચૂંટણીની જવાબદારી સાથે પ્રચાર કરી રહ્યા છે.

પ્રચાર દરમિયાન માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. શુ સરકાર કુંવરજી બાવળિયાને દંડ ફરકારશે?

અમદાવાદ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે વધુમાં જણાવ્યું છે કે, ખેડૂતોની સ્થિતિ કફોડી છે તેવા સંજોગોમાં સરકારની પ્રાથમિકતા પેટાચૂંટણી છે. ખાતર યોગ્ય ભાવે અને યોગ્ય પ્રમાણમાં મળતું નથી જે સરકારની નિષફળતા દર્શાવે છે.

જયરાજસિંહ પરમારે વધુમાં જણાવ્યું છે કે, સરકારને માત્ર ચૂંટણી જીતવી એ પ્રાથમિકતા છે. ખેડૂતોના હાલ બેહાલ છે. ખેતીને લાયક ખેડૂત રહ્યો નથી. જેના કારણે તેઓની હાલત કફોડી છે. ચૂંટણી માટે જિલ્લા વાઇઝ પ્રભારીઓની નિમણૂંક કરી છે પરંતુ કોરોના મહામારી માટે પ્રભારીઓની નિમણૂંક કરાઇ નથી. સરકારની પ્રાથમિકતા જનતા નહિ પરંતુ ચૂંટણી જીતવાની છે. ખાતરની ૫૦ કિલોની થેલી ૪૫ કિલોની કરીને વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેની તપાસ કરવા જયરાજસિંહ પરમારે માંગ કરી છે.

(1:06 pm IST)