Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમદાવાદમાં કોરોના સ્‍થિતિ થાળે પાડવાના અનુભવી પ અફસરને સુરતમાં મુકાયા

કોરોનાની મહામારીને કારણે સુરતની પરિસ્‍થિતિને કન્‍ટ્રોલ કરવા નવો નુસ્‍ખો : યુવાનોને શરમાવે તેવી સ્‍ફુર્તિથી એક સ્‍થળેથી બીજા સ્‍થળે પહોંચી જાતે મોનીટરીંગ કરતાં એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાની કામગીરી નવી ટીમની નિમણુંકથી સોળે કળાએ ખીલશે

રાજકોટ, તા., ૧૮: સુરતમાં અનલોકની સ્‍થિતિમાં છેલ્લા ૧પ દિવસથી કોરોનાના કેસોનું તેમજ તેમાં મોતનું પ્રમાણ ઘણું વધ્‍યું છે. કેસો વધતા લોકોમાં ગભરાટનો માહોલ છે ત્‍યારે રાજય સરકારે પોલીસની કામગીરી અસરકારક થાય તે માટે બે એસપી હરેશ દુધાત અને હેતલબેન પટેલ તેમજ ત્રણ ડીવાયએસપી કે.વી.પરીખ, જે.વી.પટેલ અને એ.એન.ધાસુરાને સુરતમાં મુકયા છે. પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ પાંચેય અધિકારી સુરતના વિવિધ કલસ્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોનમાં કરફયુ અને તે સિવાયના સમયગાળામાં પોલીસની કોરોનાને નાથવા માટેની કામગીરીનું સુપરવિઝન કરશે. ઉપરાંત તેઓ પોલીસ અને વહીવટી તંત્ર વચ્‍ચે સંકલન સાધી સ્‍થિતિ કાબુમાં લાવવા પ્રયાસ કરશે તે સાથે સુરતને બે એસઆરપીની ટુકડી પણ ફાળવવામાં આવી છે.

સીઆઇડી ક્રાઇમના હરેશ દુધાત અને એસઆરપીના મહિલા અધિકારી સુરતના અલગ-અલગ સોસાયટીઓમાં જઇને લોકોને કોરોના સામે કઇ રીતે લડવુ? કઇ રીતે બચવુ? એની અમદાવાદનાં અનુભવ આધારે લોકોને જાગૃત કરી રહયા છે.

સાથે મળીને ભજીયા કે ગાંઠીયા પાર્ટી કરવી એ બહાદુરી નથી. આ બધી બહાદુરી ભારે પડી જશે. કોરોના ફકત તમને જ નહી તમારા પરીવારને પણ ઝપટે લ્‍યે છે.

અત્રે યાદ રહે કે સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા યુવા અફસરોને શરમાવે તેવી સ્‍ફુર્તીથી સુરતના વિવિધ વિસ્‍તારો ખુંદી, કન્‍ટેન્‍મેન્‍ટ વિસ્‍તારમાં ચુસ્‍ત અમલ થાય તે રીતે એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ પહોંચી રહયા છે. આ નવી ટીમને કારણે શ્રી મુલીયાણાના કાર્યને પુરક બળ મળશે.

(12:31 pm IST)