Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અરવલ્લીમાં માસ્ક ન પહેરનારા 7915 લોકો પાસેથી 15.83 લાખનો દંડ વસૂલ કરાયો

છેલ્લા ૩૦ દિવસમાં ૫૯૮૫ લોકો પાસેથી રૂ. ૧૧,૯૭,૦૦૦ દંડ વસૂલ

અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યો છે. જેને લઇ કોરોનાનો આંક ૨૭૦ને પાર પહોંચી ગયો છે. જેથી કોરોનાનું સંક્રમણને અટકાવવા ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરાવવા વહિવટીતંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ છે.

 કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં જિલ્લામાં જાહેર જગ્યાએ થૂંકવા અને માસ્ક ન પહેરવા બાબતે દંડનીય કાર્યવાહી કરવા વધુ અસરકારક બનાવવા તાલુકાના મામલતદાર, પ્રાંત અધિકારી મોડાસા- બાયડ,નગરપાલિકા ચીફ ઓફિસર મોડાસા- બાયડ સાથે બેઠક યોજી હતી. કોરોનાની બિમારીને ગંભીરતાથી લીધા વિના ફરતા લોકો સામે દંડ વસૂલવાની કામગીરી સઘન બનાવવા સૂચન કર્યુ હતું.

 સમગ્ર રાજયમાં કોરોનાના વધતા કેસને લઇ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની સત્તા પોલીસને પણ સોંપવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગ સક્રિય થઇ ૩૦ દિવસમાં ૫૯૮૫ લોકો પાસેથી રૂ. ૧૧,૯૭,૦૦૦ દંડ વસૂલ કર્યો છે. જયારે મોડાસા શહેરમાં પણ કોરોના કેસ વધતા નગરપાલિકા દ્વારા શહેરના ડુગરવાડા ચોકડી, ટાઉન હોલ ચાર રસ્તા તેમજ નવિન બસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશ્યલ ડ્રાઇવ કરી માસ્ક ન ધારણ કરનાર લોકો સામે દંડની કાર્યવાહી શરૂ કરાઇ છે.

જેમાં છેલ્લા મે માસ દરમિયાન ૩૩૭ લોકો પાસેથી રૂ. ૬૭૪૦૦, જૂન માસમાં ૭૮૫ લોકો પાસેથી ૧,૫૭,૦૦ જયારે જુલાઇના છેલ્લા ૧૫ દિવસમાં ૮૧૦ લોકો પાસેથી ૧,૬૨,૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આમ કુલ ૭૯૧૫ માસ્ક વિનાના રાહદારીઓ રૂ. ૧૫,૮૩,૦૦૦નો દંડ કરાયો છે.

(12:02 pm IST)