Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ગીરના સિંહોને કેનાઈન વાયરસથી રક્ષણ આપવા અમેરિકાથી ૧૦૦૦ રસી મંગાવાશે

અમદાવાદ, તા. ૧૮ :  ગુજરાત સરકાર ગીરના જંગલોમાં રહેતા એશિયાટિક સિંહો માટે અમેરિકાથી ૧૦૦૦ વેક્‍સિન મંગાવશે. આ વેક્‍સિન સિંહોમાં cdv ના ઉપચાર માટે મંગાવવામાં આવશે. વર્ષ ૨૦૧૮ માં બે મહિના દરમ્‍યાન આ ખતરનાક વાયરસે લગભગ ૨૭ સિંહનો ભોગ લીધેલ, ત્‍યારે પણ ૧૩૦૦ વેક્‍સિન અમેરિકાથી મંગાવેલો છે જેમાંથી ૧૧૦૦ નો ઉપયોગ કરવામાં આવેલ. જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષની શરૂઆતના પાંચ મહિના માં અત્‍યાર સુધીમાં ૮૫ સિંહોના મોત થયા છે, જેમાંથી ૫૯ સિંહોના મોત ગીરના પૂર્વ ડિવિઝનમાં થયા છે જયાં વર્ષ ૨૦૧૮ માં લગભગ ૨૭ સિંહો મોતને ભેટેલા. આ વર્ષે આટલા સિંહોના મોત બાદ કેન્‍દ્ર સરકારે આ મૃત્‍યુની તપાસ કરવા ટીમ મોકલી હતી. આ ટીમે ગીરના જંગલનો પ્રવાસ પણ કરેલ. આ ટીમમાં ભારતીય વન્‍યજીવ સંસ્‍થાન, ભારતીય પશુ ચિકિત્‍સા અનુસંધાન સંસ્‍થાન અને વન તથા પર્યાવરણ મંત્રાલયના તજજ્ઞો સામેલ હતા. જોકે એ વાત ની સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે આમાંથી કેટલાક સિંહોના મોત cdv ના કારણે થયા છે. એટલા માટે તકેદારી રૂપે રાજય સરકારે ૧ હજાર વેક્‍સિન મંગાવ્‍યા છે. આ વર્ષે મૃત્‍યુ પામેલા સિંહોના સેમ્‍પલ ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્‍ટર'માં મોકલાયેલ. વર્ષ ૨૦૧૮ માં ગીરના જંગલમાં એશિયાટીક સિંહો માં cdv હોવાનું માલૂમ પડેલ.

 

(11:51 am IST)