Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

હવે પોલીસનું “2800 ગ્રેડ પે અમારો અધિકાર ”ટ્વીટર અભિયાન : 31મી જુલાઈથી ઉગ્ર આંદોલનની ચીમકી

શિક્ષકોની લડતને મળેલી સફળતા બાદ પોલીસમાં ગ્રેડ પે મુદ્દે અધિકારીઓમાં ગણગણાટ

અમદાવાદ: ગુજરાતમાં શિક્ષકોની લડતને મળેલી સફળતા બાદ પોલીસમાં પણ ગ્રેડ પે ને લઈને  સોશિયલ મીડિયા પોસ્ટ વહેતી થઈ છે. એક પોસ્ટમાં “2800 ગ્રેડ પે અમારો અધિકાર” સાથેનું ટ્વીટર અભિયાન મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને મીડિયાને ટૅગ કરી બે દિવસમાં શરૂ કરવા જણાવ્યું છે. જો માંગણી નહીં સંતોષાય તો 31મી જુલાઈથી ઉગ્ર આંદોલન કરવાની પોસ્ટ કરનારે ચીમકી ઉચ્ચારી છે

રાજ્યસરકારે શિક્ષકોના ગ્રેડ પે ઘટાડવાના પરિપત્રને હાલ પૂરતો મોકૂફ રાખતાં પોલીસમાં ગ્રેડ પે મુદ્દે ગણગણાટ શરૂ થયો છે. સરકારના શિક્ષકો અંગેના નિર્ણય બાદથી પોલીસ કર્મચારીઓએ તેમજ પોલીસની તરફેણમાં લોકોએ સોશિયલ મીડિયા પોસ્ટ વહેતી કરી હતી.

અમને અમારો હક્ક આપો સાથે કોન્સ્ટેબલ #2800 હેડ કોન્સ્ટેબલ #3600 અને એએસઆઈ #4400 સાથે લખ્યું છે કે, અમે જીવના જોખમે 24×7 ફરજ બજાવીએ છતાં અમને બીજા કર્મચારીઓથી ખુબ ઓછો પગાર ધોરણ તે સરાસર અન્યાય છે. તેવી પોસ્ટ ફરતી થઈ છે.

અન્ય એક પોસ્ટમાં “2800 ગ્રેડ પે અમારો અધિકાર” સાથેનું ટ્વીટર અભિયાન તા.19મી જુલાઇથી મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને મીડિયાને ટેગ કરી બે દિવસમાં શરૂ કરવા જણાવ્યું છે. જો માંગણી નહીં સંતોષાય તો 31મી જુલાઈથી આંદોલન કરવાની પોસ્ટ કરનારે ચીમકી ઉચ્ચારી છે. જેના માટે સરકાર જવાબદાર રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. આમ શિક્ષકોનો વિવાદ સુલઝ્યો ત્યાં પોલીસનો નવો વિવાદ શરૂ થયો છે.

આ ઉપરાંત સોશ્યલ મીડિયામાં ફરતી થયેલી પોસ્ટમાં Police #2800#ના મથાળા હેઠળ નીચે લખ્યું છે કે, વર્ષની એક પણ રજા નહીં…. વાર નહી તહેવાર નહી…. તોય ગ્રેડ પે 1800 જ શિક્ષકોને યુનિયન છે સરકાર ઝૂકી ગઈ…..પોલીસને કઈ નહી આમ ગ્રેડ પેના મુદ્દે એક વિવાદ શાંત થયો તો પોલીસની નારાજગી સોશિયલ મીડીયામા છતી થઈ છે

(11:23 pm IST)