Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજ્યની શાળાઓ અંગે પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંચાલકો હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે

હાઇકોર્ટમાં જવા માટે ટ્રસ્ટનાં પ્રમુખને સંપૂર્ણ સત્તા અપાઇ :દરેક જિલ્લાને સહમતિ દર્શાવવા 10 દિવસમાં જ જાણ કરવા સૂચના

અમદાવાદઃ રાજ્યની શાળાઓનાં વિવિધ પ્રશ્નો અંગે સરકારમાં મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઇ જ પરિણામ આવતું નથી. જેથી ન્યાય મેળવવા હાઇકોર્ટમાં જવા શાળા સંચાલકો તૈયારી કરવા લાગ્યા છે. આ માટે સહમતિ આપવા માટે તમામ જિલ્લા એસોસીએશનને આગામી 10 દિવસમાં નિર્ણય લઇને મહામંડળ ટ્રસ્ટને જાણ કરવા સૂચના અપાઇ છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટની ગુરુવારે તા. 16મીનાં રોજ એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શાળાઓની જૂની અને નવી ફી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી, ધો. 10 અને 12 બોર્ડ પરિણામ આધારિત ગ્રાન્ટની નિતી, ઓનલાઇન શિક્ષણની સમીક્ષા તેમજ ધો. 9થી 12નાં વર્ગોમાં વિદ્યાર્થી સંખ્યા, રજીસ્ટ્રેશન પ્રવેશ અને તે સંદર્ભે પડતી મુશ્કેલીઓ ઉપરાંત ફી સંદર્ભે સમાજ, વાલીઓ, વિદ્યાર્થીઓ, સરકાર, કોર્ટ અને રાજકીય પક્ષોનાં નિવેદનો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ મુદ્દાઓ સંદર્ભે આપણા મહામંડળ તથા અન્ય શૈક્ષણિક સંઘો તરફથી રાજ્યનાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી વગેરે સમક્ષ અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ જ હકારાત્મક નિર્ણય હજુ સુધી મળ્યો નથી. તમામ તબક્કા બાદ હવે ન્યાય મેળવવા માટે એક માત્ર હાઇકોર્ટનાં દરવાજા ખખડાવવાનો જ તબક્કો બાકી રહ્યો છે.

જો હાઇકોર્ટમાં જવાનું થાય તો તેના માટે રાજ્યનાં મહામંડળનાં પ્રમુખને સંપૂર્ણ સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તમામ જિલ્લાની સામાન્ય સભા કે પછી કારોબારીની બેઠક આગામી દિવસમાં બોલાવીને ઉપરોક્ત મુદ્દાઓની ચર્ચા કરીને 10 દિવસમાં જિલ્લાઓને તેમનો અભિપ્રાય આપવાની જાણ કરવાનું પણ નક્કી થયું હતું.

(9:27 am IST)