Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

આગામી ૭૨ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

શહેરમાં ભારે વરસાદે લઈ તંત્રની પોલ ખૂલી : સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર રાજયમાં ભારે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, છેલ્લા ૭૨ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હાલ મેઘરાજા ચારેબાજુ મન મૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અમદાવાદમાં પણ ગુરુવારે સાંજે ધડાકાભેર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ કેટલાંક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, નવસારી, ભાવનગર, અમરેલી અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

              હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જુદા જુદા વિસ્તારોમાં દ્ગડ્ઢઇહ્લની ૯ ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે, જ્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ થયું છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં ભારે વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા દ્રશ્યો પણ સર્જાયા હતા જેના કારણે લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને લઈ તંત્રની પોલ ખુલી હતી. તમામ રોડ વરસાદી પાણીથી ધોવાઈ ગયા હતા અને કેટલાક વિસ્તારોમાં ભૂવા પણ પડ્યા છે.

(10:07 pm IST)