Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

આ સમય ભજીયા કે ગાંઠિયા પાર્ટી કરવાનો નથી. : સુરતીઓને IPS હરેશ દુધાતની કડક ચેતવણી

દુધાત ફૂટ પેટ્રોલિંગ કરી દરેક વિસ્તારમાં લોકોને પ્રત્યક્ષ રીતે મળીને આ તમામ બાબતો સમજાવે છે

સુરતઃગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર ગણાતાં અમદાવાદમાં સ્થિતિને કાબુમાં લેવા કેટલાંક IPS અધિકારીઓની ટીમને ખાસ જવાબદારી અપાઈ છે,આ જ અધિકારીઓ પૈકીનાં બે અધિકારીઓને ભયજનક સ્થિતિ તરફ જઈ રહેલા સુરતમાં વિશેષ જવાબદારી આપવામાં આવી છે.

અગાઉ સુરત શહેર અને જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓએ જવાબદારી મળતાની સાથે જ પોતાની કામગીરી શરૂ કરી કરી દીધી છે. લોકો સાથે બેઠક કરી કઈ રીતે કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોરોનાને કંટ્રોલ કરી શકાય છે. સાથે જ શું સાવધાની રાખી શકાય તે દિશામાં બન્ને અધિકારીઓ કામ કરી રહ્યાં છે.

લોકડાઉન દરમિયાન અમદાવાદમાં સુપર સ્પ્રેડર વિસ્તારોમાં કોરોના વધુ ન ફેલાઈ તે માટે રાજ્ય સરકારે કેટલાંક પોલીસ અધિકારીઓને ખાસ જવાબદારી આપી હતી. ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) નાં અધિકારીઓ પૈકી શમસેરસિંહ, હરેશ દુધાત, હેતલ પટેલને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી.

હવે જ્યારે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી છે અને સુરતમાં કેસો વધ્યાં છે ત્યારે ફરી આ અધિકારીઓને સુરત મોકલવામાં આવ્યાં છે. રાજ્યનાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ક્રાઈમનાં ડીએસપી હરેશ દુધાત અને સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) નાં હેતલ પટેલને તાબડતોબ સુરત મોકલવામાં આવ્યાં છે. મહત્વનું છે કે આ બન્નેએ અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબુમાં લાવવામાં વિશેષ કામગીરી કરી હતી.

સુરતનાં વરાછા, પુણા સહિતનાં હાઈ કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સડસડાટ વધી રહ્યો છે, ત્યારે હરેશ દુધાત અને હેતલ પટેલે હાઈ રિસ્ક વિસ્તારમાં લોકોને મળી ને કઈ રીતે કોરોનાની મહામારીથી બચી શકાય છે તથા શું કરવું અને શું ન કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવાની કામગીરી શરૂ કરી છે.

હરેશ દુધાતે વરાછાનાં અલગ-અલગ વિસ્તારોમાં લોકો સાથે બેઠક કરી હતી. હરેશ દુધાતે લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા પર ભાર મૂકી સમજાવ્યાં હતાં. ખાસ કરીને વરાછા વિસ્તારમાં લોકો જરૂર વગર બહાર ન નીકળે અને ટોળે વળી ઉભા ન રહે તે જરૂરી છે. સાથે જ સરકાર અને તંત્ર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે છે તેનું પાલન કરવા પણ જણાવ્યું હતું.

તેમને કડક શબ્દોમાં કહ્યું હતું કે, “આ સમય ભજીયા કે ગાંઠિયા પાર્ટી કરવાનો નથી. જો તમારા ઘરમાં કોઈને કોરોના થશે અને તેમનું મૃત્યુ થશે તો તમે કોઈને મોઢું બતાવવાને લાયક પણ નહીં રહો.” મહત્વનું છે કે દુધાત ફૂટ પેટ્રોલિંગ કરી દરેક વિસ્તારમાં લોકોને પ્રત્યક્ષ રીતે મળીને આ તમામ બાબતો સમજાવે છે. તેમનો આ પ્રયોગ અમદાવાદમાં સફળ થયો હતો, જે હવે તેઓ સુરતમાં પણ અમલી બનાવી રહ્યાં છે. બીજી તરફ હેતલ પટેલે પણ પુણા વિસ્તારમાં આવેલા શંકર નગર ખાતે મુલાકાત લઈ લોકો સાથે ચર્ચા કરી હતી. તેઓએ પણ લોકોને આ મુશ્કેલીનાં સમયમાં તંત્રને સાથ આપવા અપીલ કરી હતી.

(9:52 pm IST)