Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

દેશમાં MSME ધિરાણમાં ગુજરાત પ્રથમ સ્થાન પર રહ્યું

ભારતનું કુલ ઋણ વધીને ૨૫૩ ટ્રિલિયન થયુ : એમએસએમઈ ધિરાણે સારાં દરે વૃદ્ધિ જાળવી રાખી, જે ઝડપી આર્થિક સુધારાનો સંકેત આપે છે : રિપોર્ટમાં તારણ

અમદાવાદ, તા.૧૮ : દેશના વિવિધ રાજયોના એમએસએમઈની તક-જોખમનાં અભ્યાસને લઇ ટ્રાન્સયુનિયન સિબિલ – સિડબી એમએસએમઈ પલ્સ રિપોર્ટની છઠ્ઠી આવૃત્તિ માર્ચ, ૨૦૧૯માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ૧૨.૪ ટકાની સતત વૃદ્ધિ દર્શાવે છે. માર્ચ, ૨૦૧૫થી માર્ચ, ૨૦૧૯ વચ્ચેનાં પાંચ વર્ષનાં ગાળામાં ભારતનું કુલ ઋણ ૧૩.૩ ટકાનાં વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે (સીએજીઆર) વધીને રૂ. ૨૫૩ ટ્ર્લિયન થયું છે. કુલ ઋણમાં સરકારી ઋણ, કોર્પોરેટ ઋણ અને વ્યક્તિગત ઋણ સામેલ છે. છેલ્લાં ચાર વર્ષમાં વ્યક્તિગત કુલ ઋણમાં ૨૨ ટકાનાં સીએજીઆરથી વૃદ્ધિ થઈ છે, જેમાં કન્ઝ્યુમર લોન, બિઝનેસ લોન અને અન્ય લોન સામેલ છે. વળી આ જ ગાળામાં વાણિજ્યિક કંપનીઓ (એમએસએમઈ અને કોર્પોરેટ કંપનીઓ સહિત)માં ૧૩.૪ ટકાનાં સીએજીઆર પર તથા સરકારી ઋણમાં ૧૦.૬ ટકાનાં સીએજીઆરથી વૃદ્ધિ થઈ છે. ભારતમાં એમએસએમઇ ધિરાણમાં ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે. એકંદરે એમએસએમઈ ધિરાણે સારાં દરે વૃદ્ધિ જાળવી રાખી, જે ઝડપી આર્થિક સુધારાનો સંકેત આપે છે. આ અભ્યાસના તારણોમાં, માર્ચ, ૨૦૧૯માં વાણિજ્યિક ધિરાણમાં એનપીએનો કુલ દર ૧૬ ટકા હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં ૧૭.૨ ટકા હતો. મીડિયમ અને લાર્જ સેગમેન્ટમાં માર્ચ, ૨૦૧૮થી જૂન, ૨૦૧૮ વચ્ચે એનપીએનો દર વધીને ટોચ પર પહોંચ્યો હતો. જોકે તણાવનાં ગાળા પછી વાણિજ્યિક ધિરાણ ક્ષેત્ર સુધારાનાં માર્ગે અગ્રસેર છે, કારણ કે જૂન, ૨૦૧૭૮નાં ત્રિમાસિક ગાળા પછી એનપીએમાં ક્રમશઃ ઘટાડો શરૂ થયો હતો. એમએસએમઈ પલ્સની આ આવૃત્તિનાં તારણો પર સિડબીનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મોહમ્મદ મુસ્તફાએ જણાવ્યું હતું કે, એનપીએમાં ઘટાડાની સાથે વાણિજ્યિક ધિરાણમાં સતત વૃદ્ધિ એમએસએમઈ ક્ષેત્રની વૃદ્ધિ સારો સંકેત છે, જે આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  એમએસએમઈ પલ્સની આ આવૃત્તિમાં ધિરાણની તક અને જોખમ સૂચકાંક માપદંડો હેઠળ એમએસએમઈ પર સ્ટેટ-વાઇઝ કામગીરીને અભ્યાસને આવરી લેવામાં આવ્યો છે, જે કુલ રૂ. ૫૦ કરોડનાં કુલ ધિરાણ ધરાવતી એમએસએમઈ કંપનીઓને ધિરાણની રાજ્યોની સંભવિતતાનાં મોડલ પર આધારિત છે. એમએસએમઈ પલ્સ રેન્કિંગ મોડલ કુલ ધિરાણ, એકાઉન્ટ અને ગ્રાહકોની દ્રષ્ટિએ બજાર સાઇઝનો વિચાર કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫થી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં સમયગાળા માટે બજારની વૃદ્ધિને ઓળખવા વાર્ષિક ધોરણે સંવર્ધિત ફેરફારોનો પણ વિચાર કરવામાં આવ્યો છે. ગ્રાહકોનાં રિસ્ક ઇન્ડેક્સ, ધિરાણની ચૂકવણીમાં ચુક અને સ્કોર ક્વોલિટી (રિસ્ક પ્રોફાઇલ)નાં ભાગરૂપે પણ રાજ્યોનો વિચાર કરવામાં આવ્યો છે. આ અભ્યાસ દર્શાવે છે કે, ભારતમાં એમએસએમઈ ધિરાણ માટે કામગીરી અને વૃદ્ધિની સંભવિતતાની દ્રષ્ટિએ ગુજરાત ટોચનું રાજ્ય છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ, હરિયાણા, કર્ણાટક અને દિલ્હીનું સ્થાન છે. એમએસએમઈ કોર્પોરેટ ધિરાણમાં ઊંચી સંભવિતતા ધરાવતાં અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સામેલ છે. સ્ટેટ વાઇસ કામગીરી પર આ તારણો પર ટ્રાન્સયુનિયન સિબિલિનાં મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ સતિષ પિલ્લાઈએ જણાવ્યું હતું કે, સ્ટેટ વાઇસ કામગીરીની દ્રષ્ટિએ ભારતમાં ધિરાણની તક, એમએસએમઈ વૃદ્ધિની સંભવિતતા અને જોખમ અંદાજો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. છેલ્લાં ચાર વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬થી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯) દરમિયાન ગુજરાતે સતત નંબર ૧ સ્થાન જાળવ્યું છે.

(9:39 pm IST)