Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સુરતના મહિધરપુરા હીરા બજારનો વેપારી 45 લાખના ડાયમંડની ઉધારમાં ખરીદી ઓફીસને તાળા મારી ફરાર

હીરાબજારમાં કેટલાય વેપારીઓ અને દલાલોના નાણા ફસાયા

સુરત :શહેરના મહિધરપુરા હીરા બજારમાં એક વેપારીએ કારખાનેદાર પાસેથી તૈયાર હીરા ખરીદ્યા બાદ તેનું પેમેન્ટ નહીં ચૂકવી ઓફીસને તાળા મારી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે  આ મામલે આખરે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

 આ અંગે મળતી વિગત મુજબ વેડરોડ બ્રહ્માંડ રેસીડન્સી ખાતે રહેતા હિંમતભાઇ પરશોત્તમભાઇ માણીયા કતારગામ નંદુડોશીની વાડી ખાતે મીરામ્બીકા ડાયમંડ નામે યુનિટ ચલાવે છે. તેમની પાસેથી ગત જાન્યુઆરી મહિનામાં મહિધરપુરા ડાયમંડ વિલેજ ખાતે ઓફિસ ધરાવતા પિયુષ રમેશચંન્દ્ર ઉપાધ્યાયે અલગ અલગ તબક્કે કુલ રૂપિયા 45 લાખ 37 હજારની કિંમતના ડાયમંડની ઉધાર ખરીદી કરી હતી.

  ડાયમંડની ખરીદી કર્યા બાદ પિયુષ ઉપાધ્યાય પાસે હિંમતભાઇએ વારંવાર ઉઘરાણી કરી હતી પરંતુ તેમને પેમેન્ટ મળ્યું ન હતું. આખરે હિંમતભાઇ દ્વારા અન્ય લોકો મારફત પિયુષ પર દબાણ કરવામાં આવતા તેણે પેમેન્ટ ચુકવવાને બદલે પોતાની ઓફિસને તાળા મારી દીધા હતા અને તે નાસી છુટ્યો હતો

વધુમાં જાણવા મળતી વિગત મુજબ  પિયુષ ઉપાધ્યાય મુળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના વેરાબર ગામનો વતની છે અને સુરતમાં તે સિધ્ધી એલીક્ષ ભીમરાડ ખાતે રહે છે. પિયુષ પાસે મહિધરપુરા ઉપરાંત વરાછા રોડ મીની હીરા બજારના કેટલાક વેપારીઓ અને દલાલોના પણ રૂપિયા ફસાયા હોવાનું બજારના સૂત્રોનું કહેવુ છે. હાલમાં કતારગામ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

(8:18 pm IST)