Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

શનિવારે રાજયભરના તબીબી શિક્ષકોની અમદાવાદમાં કાળીપટ્ટી ધારણ કરીને મહારેલી

ગુજરાતની તમામ સરકારી અને મ્યુનિસીપલ તબીબી કોલેજોનાં શિક્ષકો જોડાશેઃ પગાર પંચનો લાભ, નિયમિત નિમણુંક પેન્શન સહિતના પ્રશ્ને ભારે આક્રોશઃ ૧ ઓગસ્ટે સમગ્ર ગુજરાતની મેડિકલ કોલેજોની સાથે જીએમઇઆરએસનાં તબીબી શિક્ષકો પણ હડતાલમાં જોડાશે

રાજકોટ તા. ૧૮ :.. તા. ર૦ ને શનિવારે અમદાવાદમાં જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસીએશન દ્વારા વિવિધ અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે રાજયભરના તબીબી શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને મહારેલી  યોજીને રાજય સરકાર સામે આક્રોશ ઠાલવશે.

આ અંગે જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસીએશનના પ્રમુખ ડો. ગૌરીશંકર શ્રીમાળી અને સેક્રેટરી ડો. હર્ષિલ પટેલે જણાવ્યુ છે કે, શનિવારે ગુજરાતની તમામ સરકારી અને મ્યુનિસીપલ તબીબી કોલેજોના તબીબી શિક્ષકો સાથે જીએમઇઆરએસની આઠ મેડીકલ કોલેજના તમામ તબીબો તેમજ તબીબી શિક્ષકો અમદાવાદ ખાતે કાળીપટ્ટી ધારણ કરી મહારેલી કરશે.

જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસીએશન દ્વારા જણાવાયું છે કે, જીએમઇઆરએસ.માં ફરજ બજાવતા તમામ તબીબો તેમજ તબીબી શિક્ષકોને તા. ૧-૧-ર૦૧૬ થી યુજીસી-સીપીસી ધોરણે સાતમા પગાર પંચનો લાભ આપવો. વર્ષ ર૦૧૦ થી ર૦૧૪ સુધી નિમણુક પામેલ તમામ તબીબી શિક્ષકોને નિયમીત નિમણુક સાથે મળવા પાત્ર તમામ લાભો સત્વરે આપવા તબીબી શિક્ષકોને કેન્દ્ર સરકારના નિયમ મુજબ એનપીએ આપવું. જીએમઇઆરએસના તમામ તબીબી શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ તથા ડીપાર્ટમેન્ટલ પ્રમોશનના લાભ આપવા માંગ કરી છે.

જીએમઇઆરએસના તબીબી શિક્ષકોને આજદિન સુધી પેન્શન કે નિવૃતીના અન્ય કોઇપણ લાભો મળતા નથી. તો સરકારશ્રીના નિયમ મુજબ New Pension Scheme  કે  સીપીએફ ચાલુ કરી આપવું. જીએમઇઆરએસમાં કાર્યરત તબીબી શિક્ષકોને ગ્રેજયુએટી, જુથ વિમો, એલ. ટી. સી., તબીબી ભથ્થું અથવા તબીબી સારવારનો ખર્ચ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવી. જીએમઇઆરએસ સોસાયટીની મેડીકલ કોલેજ ખાતે કરેલ નોકરીને સરકારી સેવા ગણી ત્રણ વર્ષ પછી બોન્ડ મુકિત આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.

જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસીયેશન દ્વારા વારવાર રજુઆત કરવા છતા આજદિન સુધી ઘણી બધી સમસ્યાનો સંતોષકારક ઉકેલ આવેલ ન હોઇ એસોસીયેશનના તમામ સભ્યો ગાંધી ચિંધ્યા માર્ગે કાળીપટ્ટી ધારણ કરી તા.૨૦-૭-૧૯ના રોજ ગુજરાત રાજયના તબીબી શિક્ષકોની મહારેલીમાં જોડાવાનો નિર્ણય કરેલ છે. તથા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન શરૂ કરશે. તેમ છતાં પણ તબીબી શિક્ષકોના પ્રશ્નોના ન્યાયીક ઉકેલ નહી આવે તો તા.૧-૮-૨૦૧૯થી સમગ્ર ગુજરાતની મેડીકલ કોલેજો સાથે જીએમઇઆરએસના તબીબી શિક્ષકો પણ હડતાલમાં ભાગ લેશે. તેમ ડો.ગૌરીશંકર શ્રીમાળી સેક્રેટરી ડો.હર્ષિલ પટેલ સહિતનાએ જણાવ્યુ છે.

(11:43 am IST)