Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

તારીખ પે તારીખ

ગુજરાતની અમુક અદાલતોમાં છેલ્લા પ૦થી પણ વધુ વર્ષથી કેટલાંક કેસો પેન્ડીંગ છે

અમદાવાદ, તા.૧૮: કોર્ટમાં રહેલા પેન્ડીંગ કેસોની વાત આવે એટલે તમને પણ ફિલ્મ દામિનીમાં સની દેઓલનો 'તારીખ પે તારીખ, તારીખ પે તારીખ' ડાયલોગ યાદ આવી જશે. ફિલ્મ તો ઠીક પરંતુ ગુજરાતની અદાલતોમાં પણ આવી જ સ્થિતિ છે. રાજયની કોર્ટોમાં કેટલાક કેસો પાછલા ૫૦થી પણ વધુ વર્ષથી પેન્ડીંગ પડયા છે.

હરિશંકર ગોરખાના કેસમાં પણ આવી જ સ્થિતિ છે. તેઓ ૧૬ વર્ષથી નાની ઉંમરના હતા ત્યારે ૩૦ એપ્રિલ ૧૯૬૫માં તેમની વિરુદ્ઘ સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ નોંધાયો હતો. પાછલા ૫૪ વર્ષથી કેસ લડી રહેલા હરિશંકર હવે સીનિયર સીટિઝન હશે. જોકે ગુજરાતમાં વર્ષોથી પેન્ડીંગ હોય તેવો આ એકમાત્ર કેસ નથી. ન્યાયતંત્ર દ્વારા ૧૦૦ જેટલા જૂના કેસોનું લિસ્ટ બહાર કઢાયું છે જેમાંથી ૧૯૬૧માં અબ્દુલ કરીમ વિરુદ્ઘ નોંધાયેલા કેસની સુનાવણી અમદાવાદ મેટ્રો કોર્ટમાં શરૂ થવાની હજુ બાકી છે. કરીમ ડ્રગ્સ એકટ ૧૯૩૦ મુજબ પ્રતિબંધિત ડ્રગ્સ રાખવાના કેસમાં આરોપી છે.

વર્ષોથી પેન્ડીંગ પડેલા સૌથી જૂના ૧૦૦ કેસોની યાદીમાં સૌથી છેલ્લા ક્રમે ૨૯ ડિસેમ્બર ૧૯૭૮માં ત્રણ વ્યકિતઓ વિરુધ્ધ ખોટી રીતે ટ્રાફિક કરવાના કારણે નોંધાયો હતો. મોટાભાગના કેસોની જેમ આ કેસમાં પણ આરોપી સામે ફોજદારી કાર્યવાહી શરૂ થવાના તબક્કે છે. રાજયની કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમિટી દ્વારા ૨૬ જૂન ૨૦૧૯હ્ય્ જિલ્લા ન્યાયિક ડેટા ગ્રીડ (DJDG) દ્વારા જનરેટ થયેલા ડેટામાંથી ૧૦૦ સૌથી જૂના કેસોનું લિસ્ટ બનાવાયું હતું. રાજયના કાયદા વિભાગમાં કાર્યરત સીનિયર અધિકારીએ જણાવ્યું કે, હાઈકોર્ટ આવા કેસોનો ઝડપથી નિકાલ થાય તેનું મોનિટરિંગ કરી રહી છે.

ગુજરાત હાઈકોર્ટે પાછલા વર્ષે ચૂકાદો આપ્યો હતો કે ૧૦ વર્ષથી જૂના કેસોને અઠવાડિયાથી વધારે લાંબા મુદત આપવામાં ન આવે. જેથી લાંબા સમયથી નિકાલ વીના પડ્યા રહેલા કેસોના ચૂકાદામાં વધારે સમય ન લાગે. પાછલા મહિને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લેખિતમાં રાજયસભાને જણાવ્યું હતું કે, દેશભરની ૨૫ હાઈકોર્ટમાં ૪૩ લાખથી વધારે કેસો પેન્ડીંગ પડ્યા છે. જેમાંથી ૮ લાખ કેસો ૧૦ વર્ષ કરતા વધાર જૂના છે. નીચલી અદાલતમાં ૩.૧ કરોડથી વધારે કેસો પેન્ડીંગ છે જેમાંથી ૨.૨૨ કરોડ ગુનાખોરીના અને ૮૭ લાખથી વધારે ફોજદારીના છે. ગુજરાતમાં ૧૬.૫૭ લાખ કેસો પેન્ડીંગ છે. જેમાંથી ૪.૪ લાખ ફોજદારીના અને ૧૨.૧૬ લાખ ગુનાખોરીના છે.

(10:06 am IST)