અમદાવાદ,તા. ૧૮ : અમદાવાદ શહેરમાં આજે સતત પાંચમા દિવસે મેઘરાજાએ જોરદાર ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસાવી જાણે ચોમાસાનો વરસાદી માહોલ સર્જયો હતો. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઝંઝાવાતી પવન સાથે આજે સમગ્ર દિવસ દરમ્યાન વરસાદના હળવાથી ભારે અને ધોધમાર વરસાદના ઝાપટા વરસતા રહ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે, જુદા જુદા ઝોનમાં મળીને અમદાવાદ શહેરમાં એકંદરે એક ઇંચ વરસાદ પડી ગયો છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં ૩૨ મીમી એટલે કે એક ઇંચથી પણ વધુ વરસાદ થઇ ગયો છે. પશ્ચિમ ઝોનમાં ૧૩.૩ મીમી વરસાદ થયો છે જ્યારે દક્ષિણ ઝોનમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમના નીચાણવાળા વિસ્તારોમાં તો જાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો, ભારે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે શહેરના ઘાટલોડિયા, નિકોલ, જીવરાજપાર્ક, બાપુનગર, અમરાઇવાડી સહિતના કેટલાક વિસ્તારોમાં આજે ભૂવા અને ખાડાઓ પડવાની ઘટનાઓ સામે આવી હતી. ઘાટલોડિયા વિસ્તારમાં પડેલા બહુ મોટા ભુવામાં સેન્ટ મેરી સ્કૂલની બસ ફસાઇ ગઇ હતી, જો કે, અંદર બેઠેલા ૨૦થી વધુ વિદ્યાર્થીઓને સહીસલામત બચાવી લેવાયા હતા. શહેરમાં આજે તોફાની પવન અને ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની, ભુવા-ખાડા પડવાની અને થાંભલાઓ પડવાની છૂટીછવાઇ ઘટના સામે આવી હતી. બીજીબાજુ, તો, શહેરમાં કેટલાય વિસ્તારોમાં હજુ પણ અમ્યુકો તંત્ર દ્વારા રોડ-રસ્તા અને ફુટપાથ, ત્રિકોણીયા કોર્નર બનાવવા સહિતના કામો બાકી હોઇ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ભારે વરસાદના કારણે પાણી ભરાવાને લઇ શહેરના કેટલાક વિસ્તારોમાં તો ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અમદાવાદમાં પણ છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આજે સવારે ૧૦-૩૦ વાગ્યાથી જ વાદળો જોરદાર ઘેરાયા અને ઠંડો પવન ફુંકાવાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં જોરદાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરના એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, નવરંગપુરા, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, સોલા રોડ, વેજલપુર, જીવરાજ પાર્ક, સેટેલાઇટ, શિવરંજની ચાર રસ્તા, પાલડી, મણિનગર, એલિસબ્રીજ, રાણીપ, નિર્ણયનગર, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ ભારે વરસાદના ઝાપટાં સમગ્ર દિવસ દરમ્યાન ચાલુ રહ્યા હતા. જેના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સાંજ સુધીમાં અને મોડી રાત્રે પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહેતાં સમગ્ર શહેરનું વાતાવરણ ઠંડકમય અને આહ્લલાદક બની ગયુ હતું.
બીજીબાજુ, ભારે અને ધોધમાર વરસાદમાં અમ્યુકો તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. શહેરમાં કેટલાય વિસ્તારોમાં હજુ પણ અમ્યુકો તંત્ર દ્વારા રોડ-રસ્તા અને ફુટપાથ, ત્રિકોણીયા કોર્નર બનાવવા સહિતના કામો બાકી હોઇ ભારે અને ધોધમાર વરસાદના કારણે આવા કામો અટવાઇ પડયા હતા. નિકોલની દેવાશ સ્કૂલની બહાર તો, અમ્યુકો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ખાડા ખોદી કઢાયા હતા, જેના કારણે બહુ કફોડી હાલત ઉભી થઇ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલમાં જઇ શકે તેવી જ સ્થિતિ રહી નથી, જેને લઇ અમ્યુકો તંત્રની વધુ એક પોલ ખુલ્લી પડી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ અમ્યુકો સત્તાધીશો પરત્વે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. દરમ્યાન અમદાવાદની સાથે સાથે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકો સાણંદ, વિરમગામ, માંડલ, નળકાંઠા સહિતના વિસ્તારો અને ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
કયા ઝોનમાં કેટલી વર્ષા
અમદાવાદ, તા. ૧૮ : અમદાવાદમાં આજે એકંદરે એક ઇંચથી વધુ વરસાદ થયો હતો. અમદાવાદમાં જુદા જુદા ઝોનમાં ક્યા કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.
ઝોન........................................... વરસાદ (મીમીમાં)
પૂર્વ ઝોન......................................................... ૩૨
પશ્ચિમ ઝોન.................................................. ૧૩.૩
ઉત્તર ઝોન.................................................... ૨૦.૫
દક્ષિણ ઝોન................................................ ૨૮.૫૦
મધ્ય ઝોન.................................................... ૮.૨૫