Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

બનાસ નદીના પટમાં ૬૦૦ ક્યુસેક જેટલું પાણી છોડાયું

દાંતીવાડા ડેમમાંથી નદીમાં પાણી છોડાયું : વરસાદ પહેલા દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીના પટમાં પાણી છોડાતા ખેડૂતોમાં જોરદાર આનંદની લાગણી છવાઈ

દાંતીવાડા, તા. ૧૭  : બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય ડેમ દાંતીવાડા છે. દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ૫૪૦ હતી. ચોમાસાને હજુ બે માસનો સમય છે. આ સમય પહેલા દાંતીવાડા ડેમના ગેટ રીપેરિંગ કરવાના હોવાથી ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતોની માંગણી હતી કે દાંતીવાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઊંડા ગયા છે જેથી નદીના પટમાં ડેમનું પાણી છોડવામાં આવે જે મામલે બનાસકાંઠાના સંસદસભ્ય પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તેમજ ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે સરકારમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ સરકારે બનાસ નદીના પટમાં ૬૦૦ ક્યુસેક પાણી છોડવાની મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા જ આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ ખેડૂત આગેવાનો સાથે મળી બનાસ નદીના પટમાં દાંતીવાડા ડેમનું ૬૦૦ ક્યુસેક પાણી છોડાયું હતું. પોતાના જન્મદિવસ નિમિત્તે આટલી અમૂલ્ય ભેટ સ્થાનિક ખેડૂતોને મળતાં તેમણે સરકારનો અભાર માન્યા હતો. બનાસ નદીના પટમાં આજે ૬૦૦ ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

 બનાસકાંઠામાં સૌથી મોટો પ્રશ્ન એ ભૂર્ગભ જળનો છે. દિન-પ્રતિદિન ભૂર્ગભ જળના તળ ઊંડા જતાં ખેડૂતો મોટી હાલાકી ભોગવતા હતાં. હવે જ્યારે ઉનાળાના કપરા સમયમાં ડેમનું પાણી નદીના પટમાં છોડાયું છે ત્યારે તેનો સીધો ફાયદો સ્થાનિક ખેડૂતોને થશે. નદીના તળ ઊંચા આવતા ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થશે. આજે છોડાયેલા પાણીના કારણે ખેડૂતોમાં આનંદ છે. સારો વરસાદ થાય અને ડેમ ફરી ભરાઈ  બનાસ નદીમાં પાણી છોડાય તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે.

(9:47 pm IST)