Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સરકારે પંચાયતી રાજના અધિકારો છિનવ્યા, કોંગ્રેસ આંદોલન ઉપાડશેઃ જગદિશ ઠાકોર

તાલુકા-જિલ્લા પંચાયતના કોંગી સભ્યો માટે આજે તાલીમ વર્ગઃ પંચાયતી સંગઠનના પ્રદેશવડા રાજકોટમાં : કોંગ્રેસ શાસિત પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે તાલમેલજાળવવા માર્ગદર્શનઃ પ્રશ્નોની ચર્ચા

રાજકોટ તા.૧૮: દેશમાં કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયતી સંગઠન મીનાક્ષી નટરાજનના નેતૃત્વમાં ચાલે છે. ગુજરાતમાં તેના વડા પૂર્વ સાંસદ જગદિશ ઠાકોર છે. આ સંગઠન દ્વારા તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટાયેલા કોંગી સભ્યો માટે જિલ્લાવાર માર્ગદર્શક તાલીમ વર્ગ યોજવામાં આવી રહયા છે. તે મુજબ રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સભ્યો માટે આજે બપોરે ૨:૩૦ વાગ્યા થી નાગર બોર્ડીગ, ટાગોર રોડ ખાતે વર્ગ યોજાયેલ છે. જેમાં માર્ગદર્શન આપવા જગદિશ ઠાકોર આવ્યા છે. તેમણે પંચાયતી ક્ષેત્રના અધિકારો છીનવી લેવા બદલ સરકાર સામે આંદોલનનો નિર્દેષ કર્યો છે.

જગદિશ ઠાકોરે જણાવેલ કે ચૂંટાયેલા સભ્યોને તેમની ફરજ અને અધિકારો અંગે માર્ગદર્શન અપાઇ રહયું છે. આવતા અઢી વર્ષ પ્રજાકીય કામો વધુ સારી રીતે થઇ શકે તે માટે પ્રયાસો થઇ રહયા છે. ચૂંટાયેલી પાંખ અને સંગઠન પાંખ વચ્ચે તાલમેળ જળવાઇ રહે તે જરૂરી છે. પંચાયતોને વહીવટમાં પડતી મુશ્કેલી અંગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે. ભાજપ સરકારે પંચાયતી રાજના અધિકારો છીનવી લીધા છે. તેની સામે રજુઆત અને આંદોલનાત્મક કાર્યક્રમોની ચર્ચા પણ કાર્યસૂચિમાં રહે છે. પ્રજા માટે સરકાર સામે આંદોલન કરવા કોંગ્રેસ તૈયાર છે.

તાલીમ વર્ગમાં પ્રજાકીય કાર્યો માટે માર્ગદર્શન આપવા ઉપરાંત ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

(1:20 pm IST)