Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

બાળકોમાં વધારે મોબાઇલ-ટીવી જોવાથી ચશ્માનું પ્રમાણ વધ્યુ છે

બાળકોમાં એલર્જીના કારણે આંખની તકલીફો વધી : ગ્લુડ આઇઓએલની સર્જિકલ ટેકનીકથી નિવૃત્ત શિક્ષકને ડો. અગ્રવાલ આંખની હોસ્પિટલ તબીબોએ દ્રષ્ટિ અપાવી

અમદાવાદ,તા.૧૮ : આજના આધુનિક અને મોબાઇલ-ટીવીના સોશ્યલ મીડિયા-ઇન્ટરનેટના જમાનામાં વધુ પડતા મોબાઇલ અને ટીવી જોવા કે તેના ઉપયોગના કારણે બાળકોમાં ચશ્માનું પ્રમાણ અથવા તો આંખોની તકલીફમાં ૬૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે, જે ખરેખર ચિંતાજનક છે. બાળકોમાં એલર્જીના કારણે પણ આંખની તકલીફ અને રોગો વધી રહ્યા છે, જે ૫૦ ટકા સુધી જોવા મળી રહ્યા છે. આ તમામ સંજોગો અને પરિસ્થિતિ જોતાં માતા-પિતા અથવા તો બાળકોના ગાર્ડિયને કોઇપણ સંજોગોમાં બાળકને શકય હોય તો માત્ર અડધો કલાક અને વધુમાં વધુ એક કલાક માટે જ ટીવી જોવાની કે મોબાઇલના ઉપયોગ માટેની છૂટ આપવી જોઇએ, જે આંખોની સારસંભાળ અને જાળવણી માટે હિતાવહ કહી શકાય એમ અત્રે શહેરની જાણીતી અને તાજેતરમાં જ ગ્લુડ આઇઓએલની અભૂતપૂર્વ સર્જિકલ ટેકનીકથી નિવૃત્ત શિક્ષક યુસુફભાઇને તેમણે ગુમાવી દીધેલી દ્રષ્ટિ પાછી અપાવનાર ડો. અગ્રવાલ આંખની હોસ્પિટલના આઇ સ્પેશ્યાલીસ્ટ અને નિષ્ણાત તબીબો ડો.નીરા કંજની અને ડો.નીલેશ કંજનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણાં શરીરમાં ખૂબ જ મહત્વનું અને કિંમતી અંગ હોય તો તે આંખ છે, તેની ખૂબ જ સારસંભાળ અને દરકાર રાખવી જોઇએ. આંખ વિનાનું જીવન એ વિચાર માત્ર ડરામણો છે. સમગ્ર દેશમાં મોતીયાના કારણે ૭૦ ટકા લોકો અંધાપાનો ભોગ બને છે, જયારે વિશ્વની વાત કરીએ તો, દુનિયાભરમાં ૫૦ ટકા અંધાપો આંખના પડદાના નુકસાન કે ખરાબીના કારણે નોંધાય છે. ડો.અગ્રવાલ આંખની હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા નિવૃત્ત શિક્ષક યુસુફભાઇએ ગુમાવી દીધેલી આંખની દ્રષ્ટિ પાછી અપાવતાં બહુ જ જટિલ અને પડકારથી ભરેલા કિસ્સાની વિગત જણાવતાં ડો.નીરા કંજનીએ જણાવ્યું હતું કે, યુસુફભાઇને ૨૦૧૦માં આંખની તકલીફ ઉભી થઇ હતી અને તેમણે અગાઉ બીજી કોઇ જગ્યાએ એક પછી એક ત્રણ ઓપરેશન કરાવ્યા હતા. જેમાં સ્થિતિ વધુ બગડી ગઇ હતી અને યુસુફભાઇને આંખે દેવાનું બંધ થઇ ગયુ હતું. બાદમાં બધી જગ્યાએથી થાકી હારીને યુસુફભાઇ ડો.અગ્રવાલ આંખની હોસ્પિટલ પર આવ્યા હતા, જયાં આઇ સ્પેશ્યાલીસ્ટ ડો.નીરા કંજની, ડો.નેહા અગ્રવાલ, ડો.નીલેશ કંજની સહિતના નિષ્ણાત તબીબોએ યુસુફભાઇની આંખની તપાસ કરી તો તેમાં બહુ જ કોમ્પીલીકેટેડ એકથી વધુ બાબતો સામે આવી કે, તેમની આંખ ખરાબ થઇ ગઇ હતી, ઘણા સમયથી નેત્રમણિ ન હતો, આંખની કીકી પણ પારદર્શી ન હતી ઉપરાંક આંખની પ્યુપીલ પણ આકારમાં ન હતી. જો કે, ડો.અગ્રવાલ આંખની હોસ્પિટલના આ નિષ્ણાત તબીબોએ ગ્લુડ આઇઓએલ એડવાન્સ ટેકનોલોજીથી નિવૃત્ત શિક્ષક યુસુફભાઇની આંખની સર્જરી અને ઓપરેશન કરવામાં આવ્યા, જે સતત બે કલાક સુધી ચાલ્યું અને આખરે બહુ મોટી કહી શકાય એવી સફળતામાં નિવૃત્ત શિક્ષકને સાત વર્ષ બાદ તેમની આંખની દ્રષ્ટિ પાછી મળી. ડો.નીરા કંજની અને ડો.નીલેશ કંજનીએ ઉમેર્યું કે, ગ્લુડ આઇઓએલ એ આંખમાં નેત્રમણિ મૂકવાની ખાસ ટેકનીક છે અને તે આ પ્રકારની આંખની તકલીફમાં કારગત છે. આંખોની માવજત અને દરકાર સૌથી શ્રેષ્ઠ રસ્તો છે કે તમે કોઇ તકલીફ ઉભી થાય અને ઓપરેશન કે સારવાર માટે જાઓ તેના કરતાં પહેલેથી જ આંખોની કાળજી રાખો. નિયમિત આંખોનું ચેકઅપ અને તબીબી સલાહ સહિતની ઉપયોગી ટિપ્સ પણ આપી હતી. પ્રિમેચ્યોર બાળકો જન્મ્યા હોય તો તેમના માતા-પિતાએ બાળકના આંખના પડદાની અચૂક તપાસ કરાવવી જોઇએ કે જેથી ભવિષ્યમાં કોઇ તકલીફ ના થાય.

(9:13 pm IST)