Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

આરટીઇની પ્રવેશ પ્રક્રિયા બે માસના વિલંબ બાદ અંતે શરૂ

૫મી મે સુધી આરટીઇ હેઠળ પ્રવેશ ફોર્મ ભરી શકાશે : અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં આ વર્ષે ૧૩ હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવાનો અંદાજ

અમદાવાદ,તા. ૧૮ : લગભગ બે મહિનાના વિલંબ બાદ આખરે આવતીકાલથી રાજયમાં રાઇટ ટુ એજયુકેશન(આરટીઇ) એકટ હેઠળની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રાંરભ થઇ રહ્યો છે. સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે શાળાઓમાં ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઇ છે અને તેની પર પ્રવેશ મેળવવા આવા બાળકોના વાલીઓ આવતીકાલે તા.૧૯મી એપ્રિલથી તા.૫મી મે સુધી ડબલ્યુડબલ્યુડબલ્યુ. આરટીઇગુજરાત.ઓઆરજી પર ઓનલાઇન એમડીશન ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા રજૂ કરી સ્વીકાર કેન્દ્રોમાં જમા કરાવી શકશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં આ વર્ષે ૧૩ હજારથી વધુ પ્રવેશ આપવાનો લક્ષ્યાંક છે. આરટીઇ પ્રવેશ હેઠળ રાજયની ૯૮૪૬ શાળાઓમાં કુલ ૮૦ હજાર બાળકોને પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની કુલ ૧૨૦૦ જેટલી શાળાઓમાં આવતીકાલથી આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે. તા.૧ જૂન, ૨૦૧૮સુધીમાં જે બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા બાળકોને આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ મળી શકશે. આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકોના વાલીઓએ પહેલા  ડબલ્યુડબલ્યુડબલ્યુ. આરટીઇગુજરાત. ઓઆરજી વેબપોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરવુ પડશે. વેબપોર્ટલ પર અરજી સાથે કયા કયા આધાર-પુરાવા રજૂ કરવાના છે તેની તમામ માહિતી પણ મૂકવામાં આવી છે, તેથી વાલીઓએ તેની ખાસ કાળજી લેવાની રહેશે. વાલીઓએ ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને તેની સાથે જરૂરી આધાર-દસ્તાવેજી પુરાવાઓ જોડીને નજીકના સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાના રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની તમામ શાળાઓમાં એડમીશન માટે કુલ ૪૬ સ્વીકાર કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. આરટીઇ હેઠળનો પહેલો પ્રવેશ રાઉન્ડ તા.૧૪મી મેના રોજ અમદાવાદ શહેર સહિત રાજયભરની શાળાઓમાં યોજાશે. ત્યારબાદ તા.૨૮મી મેના રોજ પ્રવેશ માટેનો બીજો અને આખરી રાઉન્ડ યોજાશે. એ પછી જો જરૂરિયાત જણાશે તો સરકારના સત્તાવાળાઓ વધારાનો રાઉન્ડ યોજી શકે તેવી પણ શકયતા છે.

(8:24 pm IST)