Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગુજરાત માહિતી આયોગમાં ખાલી જગ્યા ભરવા માટે રિટ

હાઇકોર્ટની રાજય સરકાર, સત્તાવાળાઓને નોટિસ : આયોગમાં હાલ ૪૨૧૦ અપીલો-ફરિયાદો પડતર હોઇ રાજય સરકાર દ્વારા તાત્કાલિક નિમણૂંક કરાય તેવી માંગ

અમદાવાદ,તા. ૧૮ : ગુજરાત રાજય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનરની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોવાછતાં રાજય સરકારના સત્તાવાળાઓ તેની પર હજુ સુધી કોઇ નિમણૂંક નહી કરવામાં આવતાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ.પંચોલીની ખંડપીઠે રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી તા.૪થી જૂલાઇએ રાખી છે. ગુજરાત હાઇકોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત રાજય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનરની જગ્યા ગત તા.૨૦-૧-૨૦૧૮થી ખાલી છે. મુખ્ય માહિતી કમિશનર તરીકે ફરજ બજાવતાં વી.એસ.ગઢવીનો કાર્યકાળ તા.૨૦-૧-૨૦૧૮ના રોજ પૂર્ણ થયો હતો. એ બાબતની જાણ હોવાછતાં રાજય સરકારના સત્તાવાળાઓએ સમયસર આ હોદ્દા પર યોગ્ય નિમણૂંક કરવામાં ગંભીર બેદરકારી દાખવી હતી. સુપ્રીમકોર્ટમાં દાખલ થયેલી એક રિવ્યુ પિટિશનમાં સુપ્રીમકોર્ટે આપેલા નિર્દેશાનુસાર, આયોગમાં ખાલી પડનારી જગ્યા પર ત્રણ મહિના અગાઉ નિમણૂંકની કાર્યવાહી શરૂ કરી દેવી જોઇએ પરંતુ રાજય સરકાર દ્વારા પ્રસ્તુત કિસ્સામાં સુપ્રીમકોર્ટના આ નિર્દેશનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અરજદાર ચંદ્રવનદ ધ્રુવ તરફથી પીઆઇએલમાં એ મતલબની દાદ માંગવામાં આવી હતી કે, રાજય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે ફકત નિવૃત્ત સનદી અધિકારીના બદલે ગુજરાત હાઇકોર્ટ અથવા સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજને સ્થાન આપવામાં આવે, સરકાર દ્વારા મુખ્ય માહિતી કમિશનરની ખાલી જગ્યા પર યોગ્ય ઉમેદવારની નિમણૂંક થાય તે માટે બહોળી પ્રસિધ્ધિ કરી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અખબારોમાં જાહેરખબર આપે અને લાયક ઉમેદવારો પાસેથી બાયોડેટા મંગાવે, મુખ્ય માહિતી કમિશનરની ખાલી જગ્યા માટે ત્રણ નામોની પેનલ બનાવી પસંદગી સમિતિ સમક્ષ મૂકવામાં આવે અને પસંદગી સમિતિ દ્વારા પારદર્શક પધ્ધતિ અપનાવી સૌથી વધુ યોગ્યતા ધરાવતા ઉમેદવારની પસંદગી કરવામાં આવે. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરાયું હતું કે, ગુજરાત રાજય માહિતી આયોગમાં હાલ ૪૨૧૦ અપીલો અને ફરિયાદો પડતર હોઇ રાજય સરકાર દ્વારા આટલી મહત્વની નિમણૂંક તાત્કાલિક ધોરણે કરવામાં આવે. આ રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ નોટિસો જારી કરી હતી.

(8:24 pm IST)