Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભટનાગર પિતા-પુત્રો હજારો કરોડના કાંડમાં રિમાન્ડ પર

આરોપીઓને સીબીઆઇ કોર્ટમાં રજૂ કરાયા : ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચરના ચેરમેન સુરેશ ભટનાગર, પુત્રો અમિત-સુમીત ભટનાગર સીબીઆઇ રિમાન્ડ ઉપર

અમદાવાદ,તા. ૧૮ : દેશની ૧૯ જેટલી બેંકોને રૃ.૨૬૦૦ કરોડથી વધુનો ચુનો લગાડવાના ચકચારભર્યા કેસમાં વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. કંપનીના આરોપી ચેરમેન સુરેશ ભટનાગર અને તેમના બે પુત્રો એમ.ડી અમિત ભટનાગર અને જોઇન્ટ એમ.ડી સુમીત ભટનાગરની સીબીઆઇએ આજે ઉદયપુરથી ધરપકડ કર્યા બાદ આજે સાંજે શહેરની મીરઝાપુર ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી સીબીઆઇ કોર્ટમાં રજૂ કર્યા હતા. સીબીઆઇ કોર્ટે પણ સમગ્ર કૌભાંડની ગંભીરતા ધ્યાને લઇને ભટનાગર પિતા-પુત્રોના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વડોદરાના આરોપી ઉદ્યોગપતિ અમિત ભટનાગર સહિત ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી અત્રેની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સીબીઆઇ કોર્ટે આરોપીના ગુનાની ગંભીરતા અને છેતરપીંડીની રકમનો આંક ધ્યાને લઇ આરોપીઓને આગોતરા જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. વધુમાં, સીબીઆઇ કોર્ટે આ કેસમાં કોર્ટ સમક્ષ હાજર થવામાંથી બચતા રહેતા આરોપી અમિત ભટનાગર સહિતના ત્રણ આરોપીઓ વિરૃધ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. કંપનીના આરોપી ડિરેકટરો સુરેશ ભટનાગર અને તેમના બે પુત્રો અમિત ભટનાગર અને સુમીત ભટનાગરદ્વારા દેશની ૧૯ જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી જુદા જુદાસમયે રૃ.૨૬૫૪ કરોડથી વધુની લોનો મેળવી હતી અને બાદમાં આ લોનોની રકમ બેંકોમાંભરપાઇ કરવામાંથી હાથઉંચા કરી દીધા હતા. આરોપીઓ દ્વારા પબ્લીક અને બંેંકોના હજારો કરોડ ચ્યાંઉ કરીદેવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા તાજેતરમાં જ તેમની વિરૃધ્ધ જરૃરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં ઈડી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તેની રીતે તપાસનો દોર ચલાવાયો હતો. દરમ્યાન આ કેસમાં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિના આરોપી પિતા-પુત્રો સુરેશ ભટનાગર, અમિત ભટનાગર અને સુમીત ભટનાગર  છેલ્લા ૧૨ દિવસથી નાસતા ફરતા હતા. આ ત્રણેય આરોપીઓને સીબીઆઇએ ગુજરાત એટીએસની મદદથી ઉદયપુરની પારસ હોટલમાંથી ઝડપી લીધા હતા અને અહીં અમદાવાદ લઇને આવી હતી. સીબીઆઇ દ્વારા ત્રણેય આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી. સીબીઆઇ તરફથી રિમાન્ડ અરજીમાં જણાવાયું હતું કે, આરોપીઓએ વિવિધ બેંકો સાથે છેતરપીડીં કરવામાં બહુ ચતુરાઇપૂર્વકની અને પ્લાનીંગ સાથેની મોડેસ ઓપરેન્ડી અપનાવી હતી. જેમાં રૃ.૧૦૦.૮૦ કરોડની સેનવેટ ક્રેડિટ સામે રૃ.૫૦૦ કરોડના બોગસ પરચેઝ ઇનવોઇસ રજૂ કરી ગંભીર પ્રકારની છેતરપીંડી આચરાઇ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આરોપીઓએ બેંકોમાં ઉંચી નેટવર્કીંગ કેપીટલ બતાવી બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ રજૂ કર્યા હતા. આરોપીઓએ બેંકના જાહેર સેવકોના મેળાપીપણામાં પબ્લીક મનીના કરોડો રૃપિયાની છેતરપીંડી આચરી છે. સમગ્ર કૌભાંડમાં હજારો કરોડના ટ્રાન્ઝેકશન અને પબ્લીક મનીની વાત છે, તેથી તેની તપાસ માટે કોર્ટે પૂરતા રિમાન્ડ આપવા જોઇએ. આરોપીઓની વર્તણૂંક પણ કોર્ટે ધ્યાને લેવી જોઇએ કે, ગંભીર આર્થિક ગુનો આચર્યા બાદ અને સીબીઆઇની ફરિયાદ બાદ પણ આરોપીઓ તપાસમાં સાથ સહકાર આપવાના બદલે ભાગી ગયા હતા, તેથી તેઓ અત્યારસુધી કયાં કયાં રહ્યા અને તેમને કોણે કોણે આશરો આપ્યો તેની માહિતી મેળવવાની છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે, તેની પણ જાણકારી કઢાવવાની છે. કૌભાંડની તપાસ સંવેદનશીલ હોઇ આરોપીઓને સાથે રાખી તપાસ કરવી જરૃરી હોઇ તેમની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કરવી અનિવાર્ય છે. આ સંજોગોમાં કોર્ટે આરોપીઓના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.

 

(9:13 pm IST)