Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

જીઆઈએસ ટ્રેન્ડ સેટરમાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટો ઝળક્યા

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એવોર્ડ એનાયત કરાયા : જીટીયુ પ્રેરિત બે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટો વિનગ્લોબ ગ્રીનટેક, સેન બર્ન પ્રોજેક્ટોને રાજ્ય સ્તરે ચમકવાનો મોકો મળ્યો

અમદાવાદ,તા.૧૮ : ગુજરાત ઈનોવેશન સોસાયટીના એવોર્ડ સમારોહમાં આ વખતે ટ્રેન્ડ સેટર એવોર્ડમાં વિવિધ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટો પણ ઝળક્યા હતા જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) પ્રેરિત બે ઈનોવેટીવ સ્ટાર્ટ અપ પ્રકલ્પોનો પણ સમાવેશ થયો હતો. શહેરની હોટેલ ક્રાઉન પ્લાઝામાં આયોજીત સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) પ્રેરિત બે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો વિનગ્લોબ ગ્રીનટેક અને સેન બર્ન પ્રોજેક્ટોને રાજ્ય સ્તરે ચમકવાનો મોકો મળ્યો છે. આ એવોર્ડ માટે ૧૦૦થી વધુ અરજીઓ આવી હતી તેમાંથી જીટીયુ પ્રેરિત બે સ્ટાર્ટ અપ મેદાન મારી ગયા હતા. આમાં જીટીયુના પ્રથમ પ્રોજેક્ટમાં કૃષિ સંલગ્ન  ઈનોવેટીવ પ્રોડક્ટોને લગતા પ્રોજેક્ટ વિનગ્લોબ ગ્રીનટેકની ટીમમાં અંજીલ જૈન, મનન પટેલ, ગૌરવ સાંખલા અને ભુમેશ સેઠનો સમાવેશ થાય છે. બીજો પ્રોજેક્ટ સેનિટરી નેપકીન નષ્ટ કરનાર ઈનોવેટીવ મશીન સેન બર્ન બનાવનાર અર્ચન મહેતાનો સમાવેશ થાય છે. ફાર્માસ્યુટીકલ્સ-ન્યુટ્રાસ્યુટીકલ્સના ક્ષેત્રમાં ઈનોવેશન લાવનાર સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ એક્યુપ્રેકના ડિરેક્ટર અને ચીફ સાયન્ટીફિક ઓફિસર ડૉ.રીના ગોકાણીને ટ્રેન્ડ સેટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એક્યુપ્રેક દ્વારા ૧૧ ઈનોવેટીવ પ્રોડક્ટોની પેટન્ટ મેળવવામાં આવી છે. આમાંથી એક ઈનોવેટીવ પ્રોજેક્ટ લિપ્સ્ટીકનો છે કે જે લગાવવાની લોહ તત્વ, વિટામીન બી ૧૨, ફોલિક એસિડ અને વિટામીન સી મળે છે. સમારોહમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. નવીન શેઠના હસ્તે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના ડિરેક્ટર પ્રદ્યુમ્ન વ્યાસને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીટીયુના બે સ્ટાર્ટ અપને મળેલા એવોર્ડ વિશે પ્રતિક્રિયા આપતા ડૉ.શેઠે જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલિસી બનાવીને તેને અમલમાં મૂકનાર ગુજરાત ભારતમાં સૌપ્રથમ રાજ્ય છે.

(7:25 pm IST)