Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

છેલ્લા પાંચ દિવસથી વસો ગામથી ગુમ પરણેલ પુરુષની લાશ કુવામાંથી મળતા ચકચાર

ગળતેશ્વર: પંથકના વસો ગામે રહેતો એક પુરૃષ છેલ્લા ચાર એક દિવસથી પોતાના ઘરેથી લાપતા બન્યો હતો. બાદમાં આ લાપતા બનેલ પુરૃષનો મૃતદેહ આજે નજીકમાં આવેલ કૂવામાંથી મળી આવતા ચકચાર જાગી છે. જોકે આ વ્યક્તિએ આપઘાત કર્યો કે તેની કોઈએ હત્યા તે વિશે અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસે આ શખ્સનું કૂવામાં આકસ્મિક રીતે પડી જવાથી મોત નિપજ્યું હોવાનું જણાવી અપમૃત્યુનો ગુનો નોંંધી આગળની કાર્યવાહી હાથધરી છે. મળતી વિગતો અનુસાર તાલુકાના વસો ગામે બુધાભાઈ શનાભાઈ રહેતા હતા. તેઓ પોતે પોતાની પત્ની સાથે હસીખુશી રહેતા હતા. બુધાભાઈને સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. જેમાં ત્રણ દિકરીના લગ્ન કરાવી દીધા છે. બુધાભાઈ પોતે લગ્ન પ્રસંગે ઢોલ વગાડવાનો વ્યવસાય કરતા સાથે સાથે છુટક મજૂરી કરી પોતાનું અને પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા ચાર એક દિવસથી તેઓ પોતાના ઘરેથી એકાએક લાપતા બન્યા હતા. તેઓ મજૂરી કામે જાઉ છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. આ બાદ બુધાભાઈનો કોઈ પતો મળ્યો નહોતો. બુધાભાઈની પત્નીએ આ અંગે પોતાના પરીવારજનોને ત્યાં તપાસ આદરી હતી. પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો નહોતો. ત્યાર બાદ ગુમ થયાના ચાર દિવસ પછી મંગળવારે સવારે બુધાભાઈનો મૃતદેહ વસો ગામે નિલકંઠ મહાદેવના મંદિર સામે આવેલ કૂવાના પાણીમાં તણાતો દેખાયો હતો. સ્થાનિકોએ આ અંગે તુરંત  ગુમ થનારના પરીવારજનોને જાણ કરતા તેમના પરીવારજનો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે સાથે સેવાલીયા પોલીસને પણ જાણ કરતા પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો.ત્યારબાદ  સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થળ ઉપર હાજર બુધાભાઈની પત્નીએ પોતાના પતિની પોલીસ સમક્ષ ઓળખ કરી હતી. ઓળખમાં જણાવ્યા પ્રમાણે બુધાભાઈને જમણા હાથે હનુમાનજીનું છુંદણુ ચિતરેલું જેમાં મરનારના હાથે પણ આ નીશાની જોવા મળી હતી. આ અંગે સેવાલીયા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શખ્સનું કૂવામાં આકસ્મિક રીતે પડી જવાથી મોત નિપજ્યું છે. જ્યારે આ વ્યક્તિએ આપઘાત કર્યો કે તેની કોઈએ હત્યા તે વિશે અનેક ચર્ચાઓએ જોર પકડયું છે

(5:29 pm IST)