Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

બોરસદ તાલુકાના અમીયાદ પાસે દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો: 2.74 લાખની મત્તા જપ્ત

આણંદ:  પેરોલ ફર્લો સ્કવોર્ડે બોરસદ તાલુકાના અમીયાદ ગામે ઘનશ્યામપુરા સીમમાંથી વિદેશી દારૃનો જથ્થો ભરીને પસાર થતી એક કારને ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૃનો જથ્થો તથા એક કાર મળી કુલ્લે રૃા.૨.૭૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે કારનો ચાલક ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. આ બનાવ અંગે પોલીસે કારચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ બોરસદ તાલુકાના કણભા બસ સ્ટેન્ડ પાસે રહેતો શૈલેષભાઈ ઉર્ફે લાલો ગીરીશભાઈ પઢિયાર છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૃના વેચાણનો ધંધો કરે છે. તેમજ તેના ઓળખીતા નિલેશભાઈ પરમારને એક ઈક્કો કારમાં વિદેશી દારૃનો જથ્થો લેવા માટે મોકલ્યો છે અને આ વિદેશી દારૃ બોરસદ તાલુકાના અમીયાદ ગામની ઘનશ્યામપુરા સીમમાં સંતાડવામાં આવ્યો હોવાની ગુપ્ત બાતમી આણંદ પેરોલ ફર્લો સ્કવોર્ડને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે આણંદ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ અમીયાદ ગામે ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન એક ઈક્કો કાર નં.-જીજે-૨૩ એએફ-૯૫૧૯ ત્યાં આવી ચઢતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જો કે પોલીસને જોતા જ કારચાલકે પોતાની કાર ઘનશ્યામપુરા સીમ તરફ હંકારી મુકી હતી. દરમ્યાન ઘનશ્યામપુરા સીમમાં કારચાલક કારને બિનવારસી હાલતમાં છોડી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો  હતો.

(5:29 pm IST)