Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

નડિયાદમાં ચીલઝડપને અંજામ આપનાર ગઠિયો પોલીસના સકંજામાં

નડિયાદ: છેલ્લા ચાર મહિનામાં બનેલ ચીલ ઝડપ, ચેઈન સ્નેચિંગના બનાવનો પર્દાફાશ થયો હતો. જેમાં અગાઉ આ ગુનામાં ઘેટિયા ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે મુખ્યસૂત્રધાર આરોપી ફરાર હતો. જેને ગત્ રોજ પોલીસે નડિયાદમાંથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથધરી છે. નડિયાદ શહેરના હાર્દસમા વિસ્તાર એવા કિડની હોસ્પિટલ પાસે ચીલ ઝડપ, ચેઈન સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓ છેલ્લા ચાર માસ દરમ્યાન બનવા પામ્યા હતા. આ બનાવમાં ગત્ તા.૨૭મી માર્ચના રોજ બે આરોપી મુકેશ ઉર્ફે બલ્લુ  બલરામ મદ્રાસી અને  કિશન સનમુગમ મદ્રાસીને ઝડપી લેવાયા હતા.  તેઓની પાસેથી મળી આવેલ એક દેશી તમંચો સંજય નામના શખ્સે પુરો પાડયો હોવાની વિગતો ખુલી હતી. સંજય ઉર્ફે સંજુ નાગેન્દ્ર મદ્રાસી (રહે.લાંભા, અમદાવાદ) ગત્ રોજ સમી સાંજે નડિયાદ બસ મથક પાસે આવવાનો હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. આથી બાતમીના આધારે સંજય ઉર્ફે સંજુની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. જેમાં તેણે  મુકેશ ઉર્ફે બલ્લુ સાથે મળી એકાદ મહિના પહેલા નડિયાદ વિદ્યુતનગરમાંથી ચેઈનની લૂંટ, સીવીલ ગરનાળા પાસેથી મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ અને બે માસ પહેલા કિશન સમોસાના ખાંચામાંથી ચેઈન સ્નેચિંગ કરી હોવાની કબુલાત કરી છે. ઉપરોક્ત ટોળકી બાઈક ઉપર હેલમેટ પહેરીને આવતા અને રસ્તા પર આવતી જતી મહિલાઓને ટારગેટ કરી ચીલ ઝડપ અને ચેઈન સ્નેચિંગ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સંજય ઉર્ફે સંજુને નડિયાદની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

(5:28 pm IST)