Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વડોદરામાં મોબાઈલની દુકાનમાં તસ્કરોની તરાપ: 9.35 લાખનો કર્યો સફાયો

વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી મોબાઈલ ફોન પોઈન્ટ દુકાનમાં ગત વહેલી સવારે ત્રાટકેલા તસ્કરો ૯.૬૩ લાખની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી ગયા હતા જયારે મુજમહુડારોડ પરની વ્રજવિહાર સોસાયટીમાં રહેતા પરિવારજને બેડરૃમનો દરવાજો બહારથી બંધ કરી તસ્કરોએ મકાનમાં હાથફેરો કર્યો હતો.
છાણી વિસ્તારની પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા ચંચલ દિલીપકુમાર સિન્ધી છાણી જકાતનાકા પાસે મોટા એપાર્ટમેન્ટમાં મોબાઈલ પોઈન્ટ નામની દુકાન ધરાવે છે. તેમણે બાજુમાં આવેલી દુકાન ભાડેથી લીધી હોઈ તે ગઈ કાલે મોડીરાત સુધી બંને દુકાનો વચ્ચેની પાર્ટીશન વોલ હટાવવાની કામગીરી માટે મજુરો સાથે દુકાનમાં રોકાયા હતા. રાત્રે સાડા ત્રણ વાગે કામ પુરુ થતા તે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ગઈ કાલે સવારે સાડા દસ વાગે તે દુકાને પાછા આવતા તેમને ચોંકાવનારી જાણ થઈ હતી કે તસ્કરોએ તેમની દુકાનના મુખ્ય શટરના બંને તરફના તાળા તોડી દુકાનમાંથી ૯,૬૩,૯૫૮ની કિંમતના વિવિધ કંપનીના ૬૭ મોબાઈલ ફોનની ચોરી કરી ગયા છે. આ બનાવની તેમણે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જયારે ચોરીના બીજા બનાવમાં મુજમહુડારોડ પર વ્રજવિહાર ડુપ્લેક્સમાં પરિવાર સાથે રહેતાં નયનભાઈ જોશી હાલોલમાં એમ જી મોટર્સમાં ફરજ બજાવે છે. ગઈ કાલે રાત્રે તેમના મકાનના રસોડાની બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ડ્રોઈંગરૃમમાં મુકેલી પુત્રીના પર્સમાંથી તેમજ કબાટમાંથી અને ઉપરના માળે સ્ટડી રૃમમાંથી રોકડ તેમજ મોબાઈલ ફોન ,ચાર્જર સહિત ૮૭૦૦ની મતાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તે બેડરૃમ અને મુખ્ય દરવાજાને સ્ટોપર મારી ફરાર થયા હતા. સવારે ઉઠેલા પરિવારજનોને દરવાજો અંદરથી બંધ હોવાની જાણ થતાં તેઓએ બહાર ઉભેલા શ્રમિક મારફત દરવાજો ખોલાવ્યો હતો

(5:27 pm IST)