Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અઠવાડિયા પહેલા દમન નજીક થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો: પાંચ આરોપીની ધડપકડ

દમણ:  ઝરી ગામની સીમમાંથી એક સપ્તાહ પૂર્વે વાપીના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. એ કેસનો પોલીસે ભેદ ઉકેલી તરૃણ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ કેસમાં અન્ય ૪ આરોપીઓના નામો ખૂલ્યા છે. આરોપીઓ મૃતકને કચીગામ કારમાં લઈ ગયા બાદ ઢોર માર મારતા તેનું મોત થઇ જતાં પુરાવાનો નાશ કરવા લાશ ઝરી મુખ્ય માર્ગ પર ત્યજી દીધી હતી. ગુનાહિત પ્રવૃત્તિ કરતી ટોળકીમાં જોડાયા બાદ ઝઘડો થતાં મિત્રોએ જ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યંુ છે. દમણના ઝરી ગામે તા. ૮-૪-૨૦૧૮ના રોજ વાપીના ચલા ખાતે રહેતા રાજુ સુરેશભાઈ પટેલની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ગંભીર ઘટનામાં પોલીસે હાથ ધરેલી તપાસમાં મળેલી કડી અને માહિતીના આધારે ગુનાનો ભેદ ઉકેલી તરૃણ  સહિત પાંચ આરોપીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. પૂછપરછ દરમિયાન હત્યા કેસમાં અન્ય ૪ આરોપીઓના નામો ખૂલ્યા છે.
આરોપીઓ અને મૃતક રાજુ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ચાલતા ઝઘડાને લઈ તેનું કાસળ કાઢી નાખવા પ્લાન તૈયાર કર્યો હતો. આરોપીઓ રાજુને કચીગામથી સાગર પટેલની કારમાં બેસાડયા બાદ ઢોર માર મારતા તેનું મોત થયું હતું. પુરાવાનો નાશ કરવા લાશને ઝરી ગામે મુખ્ય માર્ગ પર ફેકી દીધી હોવાની કબૂલાત કરી છે. પોલીસે વધુ માહિતી અને અન્ય આરોપીને પકડવાના આધાર પર આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પૂછપરછમાં આરોપીઓ બીજા કર્યા ગુનામાં સંડોવાયેલા છે તે અંગે માહિતી બહાર આવી શકશે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર જપ્ત કરી છે.  જયારે બાઈક કબજે કરવા ચક્રોગતિમાન કર્યા છે.

(5:27 pm IST)