Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વડોદરા નજીક ઉમરાખ પોલીટેકનીક કોલેજના આચાર્યનું અકસ્માતમાં મોત

બારડોલી: ટોયેટો ગાડી લઇને ગોધરા જવા નીકળેલા ઉમરાખ પોલીટેકનીક કોલેજના આચાર્યની ગાડીને વડોદરાના પોર નજીક ને.હા.નં. ૪૮ પર ટ્રકચાલકે પાછળથી ટક્કર મારતા ટોયેટા ગાડી ઉછળીને સામેના ટ્રેક પર પડતા પૂરઝડપે આવતી ટ્રકે ટક્કર મારતા ચાલકને ઇજા થઇ હતી. જ્યારે પાછળ બેઠેલા આચાર્યને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. બારડોલી નગરમાં લીમડાચોક ખાતે રહેતા ભાવેશ વિનોદચંદ્ર મોદી  (ઉ.વ. ૩૫) બારડોલી નજીક આવેલી ઉમરાખ પોલીટેકનીક  કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા હતા. આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ભાવેશ મોદી પોતાના મિત્ર વિપુલ પટેલની ટોયેટો  એટીઓસ ગાડી (નં. જીજે-૧૯-એએમ- ૧૭૩૦)ના ચાલક ઉમેશ મહેન્દ્રભાઇ ભોઇ (રહે. કડોદ, તા. બારડોલી, જિ. સુરત) સાથે કામ અર્થે ગોધરા જવા નીકળ્યા હતા. દરમિયાન ને.હા. નં. ૪૮ પર ભરૃચથી વડોદરા જતા પોર નજીકના વરસાડા ગામની સીમમાંથી ટોયેટો ગાડી વડોદરા તરફ જતી હતી ત્યારે  પાછળથી કોઇ અજાણી ટ્રકના ચાલકે ટોયેટોને ટક્કર મારતા ટોયેટો ગાડી ડીવાઇડર કુદી સીધી સામેના  ટ્રેક પર પડી હતી. તે સમયે સામેથી પૂરઝડપે આવતી ટ્રક  (નં. જીજે-૧૬-એયુ- ૮૦૦૬)ના ચાલકે ટોયેટો ગાડીમાં ધડાકાભેર અથડાવી દેતાં ગાડીમાં પાછળ બેઠેલા ભાવેશ મોદીને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે ગાડી ચાલક ઉમેશ ભોઇને ખભાના ભાગે સાધારણ ઇજા થઇ હતી. બંને ઇજાગ્રસ્તને નજીકના પોર ખાતે સરકારી દવાખાને લઇ જતાં ફરજ પરના તબીબે ભાવેશ મોદીને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના બનાવ અંગે વરણા પોલીસ મથકે ઉમેશ ભોઇએ અજાણી ટ્રક અને સામેથીઅથડાયેલી ટ્રકના ચાલક વિરૃદ્ધ ફરિયાદ  નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

(5:22 pm IST)