Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

'સિમ સિમ ખુલ જા': એ જાદુઇ મોબાઇલથી પોલીસ અશકયને શકય બનાવશેઃ લોકોની સુવિધા વધશે

મુખ્યમંત્રીએ એ.કે.૪૭ થી વધુ અસરકારક ગણાવેલ છે તેવા 'પોકેટ પોલીસ'ના પ્રોજેકટના શિલ્પી શમશેરસિંઘ અકિલા સમક્ષ જાદુઇ ખજાનાની અદભૂત વિગતો વર્ણવીઃ પાસપોર્ટ વિધી ઘર બેઠા થશેઃ લોકોને ફરીયાદ કરવા પોલીસ મથકે નહિ જવુ પડેઃ ખોવાયેલી વ્યકિતની ઝડપથી ઓળખ મળશેઃ શંકાસ્પદ વાહનો તુર્ત જ ઓળખાઇ જશેઃ પોલીસના મુખ્ય મથકના કોમ્પ્યુટરમાં સંગ્રહાયેલી તમામ વિગતો હવે પોલીસના સ્માર્ટ ફોનમાં: આ સ્માર્ટ ફોનનો ઉપયોગ માત્ર લોકોના કામ માટે જ કરી શકાશે, પોલીસ ફેસબુક કે વોટસએપમાં ઉપયોગ ન કરી શકે તે રીતે ફોન લોક કરી દેવાયા છે

રાજકોટ, તા., ૧૮: તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પોલીસવડા શિવાનંદ ઝાની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કચ્છની ધરતી પર ડીજીપી કોન્ફરન્સમાં સેવેલ સ્વપ્નને સાકાર બનાવતા પ્રોજેકટ 'પોકેટ કોપ' પ્રોજેકટનું વિમોચન થયું ત્યારે શરૂઆતમાં તો  સરકારી અધિકારીઓ, રાજકારણીઓ કે લોકોને એમ લાગ્યું કે સરકારે લોકોને વધુ એક લોલીપોપ પકડાવી. પરંતુ આ પ્રોજેકટના શિલ્પી તરીકે રાજય પોલીસ તંત્રના કડક અને સ્વચ્છ છબી ધરાવતા એડી. ડીજીપી કક્ષાના શમશેરસિંઘ હોવાથી રાજય સરકાર અને તમામ અધિકારીઓ અને લોકોને પણ લાગ્યું કે આ પ્રોજેકટ હેતુલક્ષી જ હોય.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રસપુર્વક સમગ્ર પ્રોજેકટનો અભ્યાસ કરી અને આ બાબતે કેટલીક મનમાં મુંજવતી મુંજવણોના પ્રશ્નો આ પ્રોજેકટના શિલ્પી એવા શમશેરસિંઘને પુછયા અને તમામ જવાબો સંતોષકારક રીતે મળતા જ વિમોચન સમયે વિજયભાઇએ કહયું કે, સરકારે પોલીસના હાથમાં એ.કે.૪૭થી વધુ અસરકારક હથીયાર આપ્યું છે.

આ મહત્વકાંક્ષી અને ખુદ વડાપ્રધાન જેવું ઇચ્છતા હતા તેવું સાકાર કરનાર એડી. ડીજીપી શમશેરસિંઘ સાથે અકિલાએ વિશેષ વાતચીત કરી લોકોને આ પ્રોજેકટ વિષે એ જાણવાની ઇચ્છા હતી તે પુર્ણ કરવાના તમામ પ્રયત્નો કર્યા. અત્રે યાદ રહે કે સ્માર્ટ પોલીસ ટેકનીકલ જ્ઞાન વગર ન  બની શકે તેવું આ પ્રોજેકટના શિલ્પી દ્રઢતાપુર્વક માને છે.

આ મોબાઇલ ફોનમાં શરૂઆતમાં ૪ એપ્લીકેશન આપવામાં આવી છે. હાલમાં પ૦૦૦ પોલીસમેન કે જેઓ પોલીસ મથકમાં તપાસનું કામ, પાસપોર્ટનું કામ, પીસીઆર વાહન સાથે સંકળાયેલ હોય તેવા લોકોને આ ફોન આપવામાં આવ્યા છે. ભુતકાળના અનુભવ આધારે ઘણા લોકો એવંુ માનતા હશે કે આ સ્માર્ટ ફોનનો ઉપયોગ જે રીતે ટ્રાફીક બ્રિગેડના ટ્રાફીકબ્રીગેડરો ટ્રાફીક નિયમનના બદલે વોટસએપ, ફેસબુક જોવામાં કરે છે તેવું થશે. જો કે આ બાબતે શમશેરસિંઘને આવો સવાલ કરાતા તેઓએ જણાવેલ કે, આ બાબતને અમે લક્ષમાં રાખી આવી બધી એપ્લીકેશનો બ્લોક કરી દીધી છે. જે કોઇ કાળે ખુલશે નહી. આ મોબાઇલ અન્યના હાથમાં જાય તો પણ ઉપયોગ થઇ શકશે નહી. કોઇને કામ ચીંધ્યા પછી આ મોબાઇલ મારફત જ કામ કરવાનું હોવાથી કોઇ બહાના બતાવવાનો મોકો નહિ મળે.

આ પોકેટ પોલીસ પ્રોજેકટ મોબાઇલમાં ૪૬ લાખ એફઆઇઆર, ૬૯ લાખ અટક થયેલા લોકોની વિગત, ૧૬ લાખ ગુન્હેગારોની ફિંગર પ્રીન્ટ સંઘરાયેલી છે. આ બધી વિગતો ગુજરાત ક્રાઇમ રેકર્ડ બ્યુરો કે અન્ય સંબંધક હાયર ઓફીસરોના કોમ્પ્યુટરોમાં હતી જે હવે દરેક પોલીસના હાથમાં હશે.

સૌથી અગત્યની બાબત એ છે કે પાસપોર્ટ માટે લોકોને પોલીસ મથકે જે ધક્કા ખાવા પડે છે તે અને લોકોનો રોષ સરકાર પ્રત્યે ઉતરે છે તેમાં ધરમુળથી ફેરફાર થશે. સંબંધક વ્યકિત ગુન્હેગાર છે કે કેમ? તે એપ્લીકેશન મારફત જાણી જે તે અરજદારના ઘરે જઇ તેનું રહેઠાણ, એડ્રેસ, જીપીએસ સીસ્ટમ આધારે ચકાસી તેના આઇડી કાર્ડ સ્થળ પર સ્કેન કરી સંબંધક વિભાગને પહોંચાડી દેવાશે.

કોઇ પણ ઘટના સમયે કોઇ ગેંગ પકડાય કે અજાણ્યા વાહનો મળે ત્યારે એપ્લીકેશન મારફત તે વાહનનો ગુન્હાહીત કૃત્યોમાં ઉપયોગ થયો હતો કે કેમ? વાહનના નંબર પરથી માલીકના નામ જાણી શકાશે. અધુરી વિગતો હશે તો ઓપ્શન આધારે ખુટતી માહીતી મળી જશે.

શંકાસ્પદ ડેડબોડી અંગેની વિગતો પણ મળી જશે. ફિંગર પ્રીન્ટ ડેટા આધારે ખુટતી વિગતો મળશે, ગુમ થયેલી વ્યકિતઓને શોધી પરીવાર સાથે મીલન કરાવાશે. ભવિષ્યમાં આ સ્માર્ટ ફોનમાં ર૦ થી વધુ નવી એપ્લીકેશનો આવશે. આ મોબાઇલ ફોનની એપ્લીકેશન લોંચ કર્યા બાદ એડીશ્નલ ડીજીપી (ગુજરાત ક્રાઇમ રેકર્ડ બ્યુરો)શમશેરસિંઘે ૩ માસ સુધી ઉપયોગ કર્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ વિગેરેને મોબાઇલ ફોન વાપરવા આપી આમા કોઇ મુશ્કેલી છે કેમ? તેની વિગતો અને મુશ્કેલીઓ શમશેરસિંઘે જાણેલ. ટુંકમાં કહીએ તો શમશેરસિંઘે વડાપ્રધાનનું સ્માર્ટ પોલીસનું સ્વપ્ન સાકાર કરેલ.

(4:05 pm IST)