Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વિજયભાઇએ વહિવટી તંત્રને વેગવાન બનાવવા કલેકટર-ડીડીઓને આપ્યું માર્ગદર્શન

રજાના દિવસે પણ સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓની મીટીંગનો ધમધમાટઃ પ્રજાની સમસ્યા પોતાની સમસ્યા સમજી નિકાલ કરવા તાકીદ

 ગાંધીનગરઃ તા.૧૮,  ગુજરાતની વિજયભાઇ રૂપાણીની નવી સરકારને ૧૦૦ દિવસ પુર્ણ થાય બાદ ગુજરાત સરકારની ભાવિ કામગીરીનો રોડમેપ તૈયાર કરવા અને લોકોની સમસ્યાઓનો પ્રે- એકટીવ ગર્વમેન્ટ તરીકે ઉકેલ લાવવા આજે રજાના દિવસે સચિવાલયમાં રાજયભરના જિલ્લા કલેકટરો અને જીલ્લા વિકાસ અધિકારીઓની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમા મુખ્યમંત્રી વિજયભાઇએ કલેકટર ડીડીઓને સંયુકત બેઠકને સંબોધન કરીને સરકારની ફલેગશીપ યોજનાઓને સુચારૂ રીતે લાગુ કરવા, જળ સંચય અભિયાન, ડીડીઓ કલેકટરને તેમના તાલુકા- જીલ્લાની સમસ્યાને સામેથી રસ લઇને ઉકેલવા અને બજેટની જાહેરાતોનો અમલ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

 રાજયમાં પાણીની સમસ્યા, અછતની સ્થિતિ, વહિવટી તંત્રને ચુસ્ત બનાવવા, મહેસુલી પ્રશ્નો અને કૃષિને લગતી બાબતો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પહેલા સરકારી યોજનાઓને લોકો વચ્ચે લઇ જવાના ભાગકરૂપે પણ જોવાઇ રહી છે.

 સચિવાલયમાં પરશુરામ જયંતિની રજા છે ત્યારે કલેકટર - ડીડીઓની સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં સવારે ૧૦ થી સાંજે ૫ સુધી મેરેથોન મીંટીગ  ચાલી રહી છે. આ બેઠકને મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘ સંબોધન કરીને ઉચ્ચ અધિકારીઓને વહિવટી તંત્રને વધુ ઝડપી બનાવવા પર ભાર મુકેલ.

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કેટલાક પ્રથમવાર ડીડીઓ કે કલેકટર તરીકે નિયુકત થયેલા અધિકારીઓને પ્રજાભિમુખ અને પ્રો-એકટીવ ગર્વર્નન્સ માટે ખાસ તાકીદ કરી હતી. એનજીઓની મદદથી જળ સંચય અભિયાન અને જળ બચાવો અભિયાનની શરુઆત મે મહિનામાં કરવામાં આવનારી છે તે માટે લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવવા કહેવામાં આવેલ.  આજે અખાત્રીજે નવા કામો માટેનું શ્રેષ્ઠ મુહર્ત ગણાય છે તે યાદ કરાવીને પ્રજાની સમસ્યાને પોતાની સમસ્યા ગણવા અને કોઇ એક તાલુકામાં કોઇ પ્રશ્ન ઉદ્ભવે તો અન્ય તાલુકામાં પણ તે પ્રશ્ન ઉભો થાય તે પહેલા જ તેનું નિરાકરણ લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.(૪૦.૫)

(4:18 pm IST)