Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

નર્મદા સહિત તમામ ડેમોનું પાણી ડ્રિપ ઇરીગેશન દ્વારા આપવું જોઇએ

મધ્યપ્રદેશમાં ઓછા વરસાદથી ખેતીમાં નર્મદાનું પાણી આપી શકયા નથીઃ સ્થિતિની ગંભીરતા પૂર્વક મંથન કરવાની તાતી જરૂર : રાજયની ૯૬ લાખ હેકટર વાવેતર જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિથી પાણી અપાઇ તો ચોમાસા ઉપરાંત શિયાળું અને ઉનાળું પાક પણ લઇ શકાયઃ પેટા કેનાલથી પાઇપ લાઇન નેટવર્ક યોજના સાકાર કર્યે બધી જ જમીનમાં પાણી પહોંચી શકે

રાજકોટ તા.૧૭: સરદાર સરોવર ડેમનું કામ પુર્ણ થઇ ગયેલ હોવા છતાં મધ્ય પ્રદેશમાં ઓછો વરસાદ થવાથી આ વર્ષે ખેતીમાં આપણે નર્મદાનું પાણી આપી શકયા નથી, આ સ્થિતિને ગંભીરતા પુર્વક નાગરિકોએ મંથન કરવાનો સમય પાકી ગયો છે કે સરદાર સરોવર સહિત ગુજરાતના તમામ ડેમોનું પાણી ખેતીમાં ડ્રીપ ઇરીગેશન દ્વારા જ આપવું જોઇએ.

પાણી મેનેજમેન્ટ થકી, ત્રણે ઋતુનો પાક લઇ શકાય તેમ છે. આ એતિહાસિક પરીણામ લાવવા માટે પાણી મેનેજમેન્ટના કાયમી ઉકેલના આયોજનની જરૂર છે.

આજે વિશ્વ આખામાં પાણી બચાવવા માટેની તીવ્ર ચર્ચાઓ થઇ રહી છે. તેવા સમયે સવા સો કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં પાણી મેનેજમેન્ટ માટે વિશેષ ચિંતા અને આયોજનો કરવા જોઇએ. સમગ્ર દેશને પ્રેરણા પુરી પાડી શકે તેવુ પાણી મેનેજમેન્ટ માટેનું ઉતમ મોડેલ ગુજરાત બની શકે તેમ છે. આ મોડેલ બનાવવા માટે ખેતીમાં આધુનિક પધ્ધતિથી પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે. રાજનેતાઓ, ઓફિસરો અને જાગૃત લોકોએ સાથે મળીને નિષ્ઠા સાથે આયોજન બંધ કામ કરવાની જરૂર છે.

ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમની સિંચાઇ ક્ષમતા ૧૮ લાખ હેકટરની છે. આ ઉપરાંત અન્ય નાના મોટા ૨૦૦ થી વધારે ડેમો છે. આ બધા જ ડેમો મળીને ૧૨ લાખ હેકટરની સિંચાઇ ક્ષમતા થાય છે. નર્મદા ડેમ સહિત ગુજરાતના બધા જ ડેમોની સિંચાઇ ક્ષમતા કુલ મળીને ૩૦ લાખ હેકટર થાય છે. આ ઉપરાંત ભુગર્ભ જળની સિંચાઇ ક્ષમતા ૨૩ લાખ હેકટરની છે. આમ કુલ મળીને રાજયની ૫૩ લાખ હેકટરની સિંચાઇ ક્ષમતા થાય છે. આ બધી જ સિંચાઇ ધોરીયા અને રેળ પધ્ધતિથી થાય છે. ખેડુતોના પ્રેકટીકલ અનુભવ એવુ કહે છે કે એક હેકટરમાં અપાતા રેળ પાણીને ટપક સિંચાઇ પધ્ધતિથી આપવામાં આવે તો ૪ થી ૫ હેકટરમાં પાણી આપી શકાય. નિષ્ણાંતોના ગણિત મુજબ એક હેકટરમાં જે પાણી અપાય છે. તે પાણીને ટપક સિંચાઇ પધ્ધતિથી આપવામાં આવે તો ૩.૫ હેકટરમાં ખેતી થઇ શકે છે. ડેમોના પાણી ભુગર્ભ જળ દ્વારા રેળ પધ્ધતિથી ૫૩ લાખ હેકટરમાં ખેતી થાય છે તેના બદલે આ પાણીને ટપક સિંચાઇ પધ્ધતિથી ખેતીમાં આપવામાં આવે તો ૫૩લાખ હેકટર*૩ કરતાં ૧ કરોડ ૮૫ લાખ હેકટરમાં ટપક સિંચાઇ પધ્ધતિથી ખેતી થઇ શકે છે.

ગુજરાતની ૯૬ હેકટર વાવેતર જમીન છે. તે બધી જ જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિથી જ પાણી આપવામાં આવે તો ચોમાસા ઉપરાંત શિયાળું અને ઉનાળું પાક લઇ શકાય છે. ગુજરાતની બધી જ જમીનમાં શિયાળું ઉનાળું પાક લેવા માટે બધા જ ડેમોની પેટા કેનાલથી પાઇપ લાઇન નેટર્વક ઉભુ કરવુ જરૂરી છે. આ ડેમોથી મુખ્ય કેનાલો નીકળે છે, તેમાંથી પેટા કેનાલો નીકળે છે, પેટા કેનાલથી ધોરીયાનું નેટર્વક હોય છે. અને આ ધોરીયા દ્વારા ખેતરોમાં રેળ પાણી આપવામાં આવે છે. પેટા કેનાલ થી નીકળતા ધોરીયાનું નેટર્વક કેન્સલ કરવામાં આવે તેની જગ્યાએ પેટા કેનાલથી પાઇપ લાઇન નેટર્વકના પાણી સપ્લાઇ જંકશનો બનાવવામાં આવે અને આ પાણી સપ્લાઇ જંકશનથી ગામ પીયત મંડળીઓને પાણી આપવામાં આવે, ગામ પીયત મંડળીની નીચે ખેડુતોની જુથ પીયત મંડળીઓ બને, આ જુથ પીયત મંડળીઓને પાણીની કુંડી અને લાઇટ કનેકશન આપવામાં આવે, આ જુથ પીયત મંડળીઓની કુંડીએ થી ખેડુતો પોતાના ખેતરોમાં લાઇન દ્વારા પાણી લઇ જાય અને ટપક સિંચાઇ જ ખેતી કરે, તેવી જ રીતે ભુગર્ભ જળના પાણીનો ઉપયોગ પણ ટપક સિંચાઇ થી જ ખેતીમાં થાય તો આ ઉતમ પાણી મેનેજમેન્ટના મોડેલથી ગુજરાતની બધી જ જમીનમાં ચોમાસા ઉપરાંત શિયાળું અને ઉનાળું પાક લઇ શકાય તેવો ખેડુતોને આત્મવિશ્વાસ ઉભો થશે. તેથી ખેડુતો આ મોડેલ બનાવવા માટે આગળ આવશે અને ખેડુતોને આ યોજનાથી થતા ફાયદાઓ માટે જાગ્રત કરવા પણ જરૂરી છે. સરકારે અબજો રૂપિયાના ખર્ચે નવા સિંચાઇ ડેમો નહી બનાવવા પડે, ડેમો માટે જમીનો સંપાદન નહિ કરવી પડે, વર્તમાન ડેમોની સિંચાઇ ક્ષમતા ત્રણ ગણી થઇ શકે તેમ છે તેના માટે ''પેટા કેનાલથી પાઇપ લાઇન નેટર્વક ટપક સિંચાઇ યોજના'' ના આયોજનની જરૂર છે.

દક્ષીણ ગુજરાતની જીવંત નદીઓને સરદાર સરોવર ડેમ સાથે જોડીને ડેમની સિંચાઇ ક્ષમતા વધારી સોૈની યોજનાના મોડેલ દ્વારા સોૈરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના ડેમોમાં ઘટતું પાણી પુરૂ પાડીને તે પાણીનો ઉપયોગ ''પેટા કેનાલથી પાઇપ લાઇન નેટર્વક ટપક સિંચાઇ યોજના'' દ્વારા કરીને ગુજરાતની બધી જ જમીનમાં પાણી આપી શકાશે, આ યોજના સાકાર થાય તો અનિયમિત વરસાદ પડવાથી ખેડુતોનો પાક નિષ્ફળ નહિ જાય, અનિયમિત વરસાદ પડવાથી ખેડુતોનો પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડુતોને ખેતી કામમાં ખાતર, બિયારણ, દવાઓ, ખેત મજુરી, વગેરે જેવા ખર્ચ થતા હોય છે. આવા સમયે પાક નિષ્ફળ જવાથી ગુજરાતનાં ખેડુતોને કરોડોનું નુકશાન જાય છે. ઉપરાંત દુષ્કાળ કે અર્ધ દુષ્કાળ પડે ત્યારે સરકારને રાહત કામો, ઢોરવાડા, પાણીના ટેન્કરો, અનાજ વિતરણ જેવી અનેક સહાય યોજનાઓ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. દુષ્કાળ પડવાથી તમામ ધંધાઓનો કારોબાર ઘટે છે. તેથી સરકારની તીજોરીમાં આવતા વિવિધ પ્રકારના ટેક્ષમાં બહું મોટી ઘટ આવે છે. ગુજરાત ની ૯૬ લાખ હેકટર જમીનમાં પાઇપ લાઇન નેટર્વક યોજના થકી ત્રણે ઋતુમાં પાક લેવામાં આવે તો ગુજરાત કૃષિ વિભાગનાં આંકડા મુજબ ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ગુજરાતનું કુલ ઉત્પાદન ૧લાખ ૨૫ હજાર કરોડનું થયુ હતું તે વધીને ચાર ગણુ ઉત્પાદન થઇ શકે.

ઉપર મુજબના તમામ ફાયદાઓને ધ્યાને રાખતા પાઇપ લાઇન નેટર્વકનો ખર્ચ બહુ સામાન્ય ગણી શકાય છે. ''દેવુ કરીને ઘી પીવુ'' જે કહેવત છે તે મુજબ પાઇપ લાઇન નેટર્વક પ્રોજેકટને સફળ કરીશું તો તેના ઘણા ફાયદાઓ થવાના છે. ચાર ગણુ ઉત્પાદન વધવાથી વર્તમાન અને આવનાીર પેઢી માટે બહુ મોટી રોજગારી ઉભી થશે, ખેડુતોને અને સરકારને આવક વધશે, અનિયમિત વરસાદથી પાક નિષ્ફળ જાય છે તેવા વર્ષે ખેડુતોને અને સરકારને હજારો કરોડનું નુકશાન વેઠવું પડે છે. તેમાથી બચી શકાય છે. સિંચાઇ ક્ષમતા વધારવા માટે નવા ડેમો નહિ બનાવવા પડે, તે ડેમો માટે જમીન સંપાદન નહિ કરવી પડે અને ખેડુતોને કુવા બોરીંગોની જરૂરીયાત ઓછી થશે, વિજળીની ખુબ મોટી બચત થશે, વર્ષ નિષ્ફળ જવાથી સરકારની તિજોરીમાં જે ટેક્ષ આવકમાં ઘટ થતી તે ઘટ નહિ થાય, પેટા કેનાલ થી પાઇપ લાઇન જંકશનો દ્વારા પાણી આપવામાં આવશે તેથી ધોરીયા નેટર્વકની જમીન ખેતીમાં ઉપયોગમાં લઇ શકાશે. ધોરીયાના નેટર્વક બનાવવા અને તેની જાળવણી પાછળનો દર વર્ષે અબજો રૂપિયાનો ખર્ચ થતો અટકે છે. આ ચારે તરફથી થતા ફાયદાઓના બહુ મોટા આંકડાઓ છે. તેની સામે પાઇપ લાઇન નેટવર્કનો ખર્ચ એક વખત કરીશુ  તો તે પચાસ વર્ષ સુધી ચાલશે, ઉપરાંત તેના ફાયદાઓતો વર્ષોવર્ષ મળવાના જ છે.

આ મોડેલના સેમ્પલ માટે સરકારે ગુજરાતના કોઇ એક ડેમના વિસ્તારમાં પેટા કેનાલથી પાઇપ લાઇન નેટર્વકનું મોડેલ બનાવવું જોઇએ અને તે સફળ થાય પછી તે મોડેલના આધારે સમગ્ર ગુજરાતની પેટા કેનાલથી પાઇપ લાઇન નેટર્વકથી જોડીને આ કાર્યક્રમને સફળ કરવો જોઇએ. સરકાર પુરી તાકાત થી ઇચ્છા શકિત સાથે કામે લાગે તો આ યોજના સફળ થઇ શકે. સરકારને ભાગે આવતુ કામ સરકાર કરે અને ખેડુતોના ભાગે આવતુ કામ ખેડુત કરે. વર્તમાન સમયમાં ખેડુતો ૧૫ લાખ હેકટરમાં ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરે છે તમાં વધારો કરીને ખેડુત પોતાના ખેતરમાં ડ્રીપ ઇરીગેશનથી જ પાણી આપે આમ ખેડુતોના ભાગે આવતુ કામ ૯૬ લાખ હેકટરમાં ડ્રીપ ઇરીગેશનથી જ ખેતી કરવાનું અને સરકારના ભાગે આવતુ કામ યોગ્ય પાણી મેનેજમેન્ટના આયોજન થકી પેટા કેનાલથી પાઇપ લાઇન નેટર્વક દ્વારા ખેડુતના ખેતરે કુંડીમાં  પાણી મળે અને સોૈની યોજના દ્વારા સોૈરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના ડેમોમાં પાણી સપ્લાઇ માટેનું યોગ્ય નેટર્વક ગોઠવે.

મારૂ ૨૦ વર્ષથી જળસંચય અભિયાન સાથે જોડાણ હોવાથી મે અનેક લોકો સાથે પાણીના કાયમી ઉકેલની ચર્ચાઓ કરેલ છે. હજારો લોકો સાથેની ચર્ચાનો નીચોડ આપની સમક્ષ ઉપર મુજબ રજુ કરેલ છે. સરકાર અને લોકો સાથે મળીને આ યોજનાને સફળ કરી શકે તેમ છે.

જળસંચય અભિયાન સતત ચાલુ રાખવું પડશે લાખોની સંખ્યામાં બનેલા ચેકડેમો, ખેત-તલાવડી અને તળાવોની જાળવણી કરવી પડશે તેમજ નવા જળસંચય માટેના કામો પણ સતત ચાલુ રાખવા પડશે.

(11:49 am IST)