Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અમદાવાદના તબીબોઅે ભારે કરીઃ ગાંઠ કાઢી લીધી પરંતુ મહિલા દર્દીના પેટમાં કાતર ભુલી ગયા

અમદાવાદ: શાહીબાગ પોલીસે ત્રણ તબીબો- હાર્દિક ભટ્ટ, સલીલ પાટીલ, પ્રેરક પટેલની બેદરકારી દાખવવા બદલ ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 2011માં કચ્છના જીવીબેન ચાવડાનું ટ્યૂમરનું ઓપરેશન કર્યું હતું ત્યારે તેમના પેટમાં ડોક્ટર્સ કાતર ભૂલી ગયા, જેના કારણે 2016માં જીવીબેનનું મોત થયું. 2011માં જીવીબેનને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લવાયા હતા, જ્યાં તેમના પેટમાં ટ્યૂમર હોવાનું નિદાન થયું હતું.

સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “જીવીબેનનું ઓપરેશન ડૉ. ભટ્ટ, ડૉ. પાટીલ અને ડૉ. પટેલે કર્યું હતું અને જીવીબેનના પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઢી હતી.” ઓપરેશનના 1 વર્ષ બાદ જીવીબેનને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. પોલીસે જણાવ્યું કે, દુખાવા માટે તેમણે શરૂઆતમાં પેઈનકિલર લીધી પરંતુ દુખાવો વધી જતાં કચ્છના સ્થાનિક ડૉક્ટરને બતાવ્યું.

પોલીસે જણાવ્યું કે, “કચ્છના ડૉક્ટરે તપાસ કરતાં પેટમાં કાતર રહી ગઈ હોવાની જાણ થઈ. જે બાદ તેમને ફરી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લવાયા જ્યાંથી તેમના પેટમાંથી કાતર કાઢવામાં આવી. જો કે તેના 3 મહિના બાદ જીવીબેનનું મોત થયું.”

જીવીબેનનું ઓપરેશન કરનારા 3 ડોક્ટર્સ સામે બેદરકારીની ફરિયાદ નોંધાતા કેસ મેડિકલ બોર્ડ પાસે પહોંચ્યો. સીનિયર પોલીસે કહ્યું કે, “મેડિકલ બોર્ડે કેસને ગુનાહિત બેદરકારી ગણાવતાં પોલીસે ત્રણેય ડોક્ટરની ધરપકડ કરી. ડૉ. ભટ્ટ અમદાવાદમાં જ હતા જ્યારે ડૉ. પાટીલ પૂણે અને ડૉ. પટેલ ચંદીગઢમાં હતા. પોલીસે ત્રણેયને સમન્સ પાઠવ્યું, અને પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી. હાલ ત્રણેય આરોપી ડોક્ટર જામીન પર મુક્ત થયા છે.”

(7:21 pm IST)