Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ખેડા તાલુકાના વાસણા મારગિયા નજીક ફેકટરીમાં કામ કરનાર યુવકની ભેદી સંજોગોમાં મળી આવેલ લાશના પગલે પોલીસે એકની ધરપકડ કરી

ખેડા:તાલુકાના વાસણા મારગીયા નજીક આવેલ યુનિવર્સલ નામની ફેક્ટરીમાં કામ કરતાં એક યુવકની માથામાં સળીયો મારી કરેલી હત્યાની તપાસમાં સમલૈગીક સબંધના પગલે હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા હત્યારાએ મરનાર સબંધ બાંધવા ના દેતો હોઈ તેના માથમાં સળીયો મારી હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તા.૧૯ સુધીના રિમાન્ડ આપ્યાં હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના વાસણા મારગીયા સીમમાં આવેલ યુનિવર્સલ નામની એક ફેક્ટરીમાં મુળ પંચમહાલ જિલ્લાના શહેરામાં રહેતો અભેસિંહ માછર (ઉં.વ ૩૪) છેલ્લાં સાત વર્ષથી ફેક્ટરીના કેન્ટીન વિભાગમાં કામ કરતો હતો. તે પરિણીત હતો. અને તેની પત્ની પિયરમાં રહેતી હતી. જે વિસ્તાર ફેક્ટરી આવેલી છે તે સીમ વિસ્તાર હોઈ આ અભેસિંહ ત્યાં જ રહેતો હતો. ગત તા.૧૩ ફેબ્રુઆરીના રોજ સવારે અભેસિંહની લાશ ફેક્ટરીમાંથી મળી આવી હતી. આ બનાવની જાણ ખેડા પોલીસને થતાં તે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી હતી. માથામાં લોખંડનો સળીયો મારી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ફેક્ટરી આજુબાજુ રહેતા કોઈ પરિવારની યુવતિ કે મહિલા સાથે અભેસિંહને આડા સબંધ હોઈ હત્યા કરાઈ હોવાની થિયરી શરૂઆતમાં પોલીસે ચકાસી હતી. પરંતુ તેમાં સફળતા મળી નહોતી. પોલીસે તપાસની દિશા થોડી ઉલ્ટાવી હતી. જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. મરનાર અભેસિંહ ખુદ ગે હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસ માટે આ દિશામાં તપાસ મજબૂત લાગતાં તે દિશામાં હાથ ધરેલી તપાસમાં ત્રણ શકમંદો મળી આવ્યાં હતાં. આ ત્રણ શકમંદોની વારાફરતી પૂછપરછ હાથ ધરતાં મહેશ ઉર્ફે મેલો નામના યુવકે હત્યાની કબૂલાત કરી હતી.

(5:07 pm IST)