Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મોટેરામાં કપિલ, ગાવસ્કર, સચિનને આમંત્રણ

જે ક્રિકેટરોએ આ મેદાનમાં રેકોર્ડ બનાવ્યો છે તેવા ક્રિકેટરોને આમંત્રણ : સૌરવ ગાંગુલી પણ હાજરી આપશે : પાર્થિવ, યુસુફ, ઈરફાનને પણ નિમંત્રણ

ગાંધીનગર, તા. ૧૮ : અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૪મીના અમમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઉદ્દઘાટન કરનાર છે. 'નમસ્તે ટ્રમ્પ'ના નામથી આયોજીત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નામાંકિત ક્રિકેટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

ભવ્યાતિભવ્ય સમારંભમાં ભારતના પૂર્વ કેપ્ટનો કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતના ક્રિકેટરો પાર્થિવ પટેલ, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણને પણ આમંત્રણ અપાયુ છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ખાસ હાજરી આપશે.

અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ૨૪મીના ભારતના પ્રવાસના પ્રથમ દિવસે જ અમદાવાદ આવી રહ્યા છે. જયા તેઓ વડાપ્રધાન મોદી સાથે ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે.

જે ક્રિકેટરોએ મોટેરા સ્ટેડિયમમાં રેકોર્ડ બનાવ્યા છે તેવા ક્રિકેટરોને આમંત્રણ અપાયુ છે. ૧૯૮૬-૮૭માં પાકિસ્તાન સામેના ટેસ્ટ મેચમાં સુનિલ ગાવસ્કરે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આ મેદાનમાં બનાવ્યો હતો. ૧૯૯૪માં શ્રીલંકા સામે આ જ સ્ટેડિયમમાં કપિલ દેવએ ૪૩૨મી વિકેટ લઈ રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો. તો ઓકટોબર ૧૯૯૯માં સચિન તેન્ડુલકરે ન્યુઝીલેન્ડ સામે પોતાની ટેસ્ટ કેરીયરમાં પ્રથમ ડબલ સેન્ચુરી ફટકારી હતી.

(11:57 am IST)