Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સુરતના ભાઠે વિસ્તારમાં મકાનમાં આગ ભભૂકી :આખું ઘર વિકરાળ આગની લપેટમાં

સાંકડી ગલીમાં ફાયર ગાડી નહિ જઈ શકતા મુશ્કેલી :પાઇપ લાઈન લંબાવી આગ બુઝાવવા પ્રયાસ

સુરતના ભાઠેના વિસ્તારના એક મકાનમા આગ લાગતા સ્થાનિક લોકોમા દોડધામ મચી જવા પામી છે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ગલીમાં ફાયરની ગાડી નહિ જઇ શકતા પાણીની પાઇપ લાઇન લંબાવીને આગ પર કાબુ મેળવવામા આવ્યો હતો.

 આ અંગે મળતી વિગત મુજબ સુરતના ભાઠેના રઝાનગર વિસ્તારમા એક મકાનમા આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ મકાનમા રહેતા સભ્યો તથા સ્થાનિક લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. બીજી તરફ આગ લાગતાની સાથે જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે રઝા નગરની ગલીમા ફાયરની ગાડી જઇ શકે તેટલી જગ્યા ન હોવાના કારણે ફાયરની ટીમ અંદર ઘુસી શકી ન હતી. બીજી તરફ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમા આખેઆખુ ઘર આવી ગયુ હતુ. 

આગ અન્ય મકાનમા નહિ લાગે તે માટે ફાયરની ટીમ દ્વારા પોતાની ગાડી રસ્તા પર જ ઉભી રાખી હતી અને ત્યાથી અન્યના ઘર મારફતે પાણીનો પાઇપ કાઢી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે ઘરમા મુકેલો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કલાકોની જહેમદ બાદ ચાર ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવવામા ફાયરની ટીમને સફળતા મળી હતી

(11:24 pm IST)