Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

મારા લગ્નમાં ખર્ચો ના કરતા પરંતુ શહીદો માટે સહાય કરો

મીનીએચર આર્ટિસ્ટ-પુત્રીની પ્રેરણાદાયી પહેલ : શહીદોના પરિજનોની સહાયતા માટે મીનીએચર આર્ટિસ્ટ દિપક ભટ્ટ મીનીએચર આર્ટની દુર્લભ કલાકૃતિ વેચી દેશે

અમદાવાદ,તા. ૧૮ : છૂટ્ટા હાથે બાઇક ચલાવતાં ચલાવતાં ગણતરીની સેકન્ડોમાં સોપારીમાં રિધ્ધિ-સિધ્ધિ સાથે ગણેશ ભગવાનની મૂર્તિ કોતરી બતાવતાં તેમ જ ચોખાના નાનકડા દાણા પર ૩૯૬ અક્ષર લખવા સહિત અનેક નોંધનીય મીનીએચર આર્ટના રેકોર્ડ બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ ધરાવતાં શહેરના જાણીતા મીનીએચર આર્ટિસ્ટ દિપકભાઇ ભટ્ટે પુલવામાના શહીદ જવાનોની શહાદતથી વ્યથિત થઇ તેમને આજે ગાંધીઆશ્રમ ખાતે ભારે હૈય્યે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને શહીદ જવાનોના પરિવારજનોની સહાય માટે પોતાની દુર્લભ મીનીએચર કલાકૃતિ વેચાણ કરી પાંચ લાખ રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી હતી. સામાજિક પ્રેરણા પૂરી પાડતી આ જાહેરાત પાછળ દિપકભાઇની પુત્રી દેવાંશીનુ ખરૂ યોગદાન છે. કારણ કે, દેવાંશીની તાજેતરમાં જ સગાઇ થઇ છે અને હવે આવતા વર્ષે તેણીના લગ્ન છે પરંતુ સ્વભાવે સંવેદનશીલ અને લાગણીશીલ એવી દેવાંશીએ તેના પિતા દિપકભાઇ ભટ્ટને જણાવ્યું કે, પપ્પા, તમે મારા લગ્નમાં ખર્ચો નહી કરો અને મારા લગ્ન સાદગીથી કરશો તો ચાલશે પરંતુ પુલવામામાં સીઆરપીએફના શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારજનો માટે તમે કંઇક આર્થિક સહાય કરો એ જ મારા માટે તમારા સાચા આર્શીવાદ છે. પુત્રીના આ વાકયો સાંભળી જાણીતા મીનીએચર આર્ટિસ્ટ દિપકભાઇ ભટ્ટની આંખમાં એક તબક્કે આંસુ આવી ગયા હતા અને તેમણે શહીદ જવાનોના પરિજનોની માટે માટે તેમની દુર્લભ મીનીએચર આર્ટની કલાકૃતિઓ વેચીને તેના જે પૈસા આવે તે શહીદોના પરિજનોને દાનમાં આપવાનો સંક્લ્પ કર્યો હતો. આ માટે દિપકભાઇ ભટ્ટના ફેસબુક પેજ પર બુધવારથી ઓનલાઇન હરાજી શરૂ થશે અને તેમની મીનીએચર આર્ટની કલાકૃતિઓની મહત્તમ રકમ પ્રાપ્ત થાય તે પ્રકારે પ્રયાસો કરવામાં આવશે. એટલું જ નહી, દિપકભાઇ ભટ્ટને તેમના સમાજ તરફથી એનાયત કરાયેલો ગોલ્ડ મેડલ પણ તેઓ વેચાણ કરવાના છે અને તેની રકમ પણ શહીદોના પરિવારજનોને સહાયમાં અર્પણ કરશે. આજે ગાંધીઆશ્રમ ખાતે દિપકભાઇ ભટ્ટ દ્વારા કરાયેલી આ જાહેરાત સમાજના અન્ય લોકો માટે પણ જાણે પ્રેરણારૂપ બની રહી હતી. આ અંગે દિપકભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, પુલવામામાં આપણા સીઆરપીએફના જવાનો પર આત્મઘાતી હુમલાની ઘટના મારે માટે બહુ આઘાતજનક અને અતિશય દુઃખદ હતી. મારે શું કરવું તે મને સમજણ પડતી ન હતી. પરંતુ મારી પુત્રીએ જયારે મને આવીને જવાનો માટે તેના લગ્નમાં ખર્ચ નહી કરવાની ત્યાગની ભાવના રજૂ કરી ત્યારે મારો આત્મા ઝંઝોળી ગયો જાણે. મેં નક્કી કર્યું કે, મારી કલાકૃતિઓ અને ગોલ્ડ મેડલ વેચીને પણ મારે શહીદોના પરિવારજનોની સહાય કરવી જ જોઇએ. બસ, તેથી તે સંકલ્પની પરિપૂર્તિ માટે દિપક ભટ્ટના મારા ફેસબુક પેજ પર બુધવારથી મારી મીનીએચર આર્ટની કલાકૃતિઓની ઓનલાઇન જાહેર હરાજી થશે અને તેમાંથી મહત્તમ રકમ મેળવવાનો પ્રયાસ કરી શહીદોના પરિવારજનોને સહાય ભારે આદર સાથે અર્પણ કરાશે.

ભટ્ટ પરિવાર મીનીએચર આર્ટમાં પારંગત છે.......

અમદાવાદ,તા. ૧૮ : કહેવત છે ને કે, મોરના ઇંડા ચીતરવા ના પડે. અમદાવાદના મીનીએચર આર્ટિસ્ટ અને ગિનિસ બુક વર્લ્ડરેકોર્ડમાં નામ ધરાવતાં દિપકભાઇ ભટ્ટના સંતાનો એવા પુત્ર કુશ ભટ્ટ અને પુત્રી દેવાંશી ભટ્ટે પણ આ ક્ષેત્રમાં કાઠુ કાઢયું છે. દિપકભાઇના ધોરણ-૭માં અભ્યાસ કરતા પુત્ર કુશ ભટ્ટે તાજેતરમાં ચોખાના એક દાણા પર એકબાજુ, ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો દોરી તેની નીચે મેરા ભારત મહાન લખ્યું હતું અને દાણાની બીજીબાજુ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. દિપકભાઇની પુત્રી દેવાંશી ભટ્ટે પણ અનેક રેકોર્ડ કર્યા છે. ખાસ કરીને દિપકભાઇનું નામ તો મીનીએચર વર્ક બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં નામ નોંધાયેલું છે. દિપકભાઇ ભટ્ટે ચોખાના દાણા પર ૩૯૬ અક્ષર લખેલા છે. એટલું જ નહી, તલના એક દાણા પર ૧૪૬ અક્ષર લખી તે પત્ર ક્રિકેટના માસ્ટરબ્લાસ્ટર સચિન તેદુંલકરને અર્પણ કરાયો હતો. તો, દિપકભાઇએ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું નામ અને ફોટો તેમ જ કમળનું ચિહ્ન ચોખાના દાણા પર દોરી તેમને અર્પણ કર્યા હતા. તેમણે રાઇના દાણા પર પ્રમુખસ્વામીને તેમના ગરૂ એવા યોગીજી સ્વામીની મૂર્તિ દોરીને અર્પણ કરી હતી. દિપકભાઇ સોપારી પર ગણેશ ભગવાન અને રિધ્ધિ-સિધ્ધિની બહુ અદ્ભુત મૂર્તિ કોતરવાની નિપુણતા ધરાવે છે.

 

(10:13 pm IST)