Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સારથી-૪ સોફ્ટવેર સર્વરમાં ચેડાં અંગે કૌભાંડ સપાટી પર

આરટીઓ સત્તાધીશોના દાવાઓની ધજ્જિયાં ઉડી : સારથી-૪ સોફ્ટવેરને લઇને નાગરિકો પાસેથી ફુલપ્રુફનો આગ્રહ રખાતો હતો અને તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી

અમદાવાદ,તા.૧૮ : શહેરની આરટીઓ કચેરીમાં લેટેસ્ટ એવા સારથી-૪ સોફટવેરમાં ચેડાં કરીને ટુ વ્હીલરનાં લાઈસન્સ ધારકોને ફોર વ્હીલર તેમજ હેવી વિહિકલનાં લાઈસન્સ કાઢી આપવાનું બહુ મોટુ અને ચકચારભર્યુ ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. સારથી-૪ સોફ્ટવેરના આ મસમોટા કૌભાંડને લઇ આરટીઓ સત્તાધીશોને ફુલપ્રુફ સીસ્ટમની જાણે ધજ્જિયાં ઉડી ગઇ છે. કારણ કે, એકબાજુ અત્યારસુધી આરટીઓ સત્તાવાળાઓ સારથી-૪ સોફ્ટવેરના નામે નિર્દોષ નાગરિકો અને વાહનચાલકો પાસેથી ફુલપ્રુફ અને દસ્તાવેજો સહિતની કોઇપણ બાબતમાં સહેજપણ કચાશ નહી ચલાવી લેવાય તેવો આગ્રહ રાખી તેઓને ભારે હેરાનગતિ અને હાલાકીનો ભોગ બનાવાયા હતા અને હવે આ જ આરટીઓ તંત્રની રહેમનજર હેઠળ આટલા મોટા અને ગંભીર કૌભાંડનો પર્દાફાશ થતાં આરટીઓ સત્તાવાળાઓની બોલતી બંધ થઇ છે. અમદાવાદ મોટર વાહન ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ આ સમગ્ર કૌભાંડ મામલે ન્યાયિક તપાસ કરવા અને આ કૌભાંડમાં સંડોવાયેલા નીચલા સ્તરથી લઇ ઉચ્ચ સ્તર સુધીના તમામ અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓ સામે આકરામાં આકરા પગલાં લેવા રાજય સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે. જવાબદારો સામે આ કૌભાંડને લઇ કાનૂની કાર્યવાહી હાથ ધરી તેઓને સખત નશ્યત કરવા પણ તેમણે માંગણી કરી છે. સારથી-૪ સોફ્ટવેરમાં આરટીઓના સર્વરના લોગ ઈન આઇડી પાર્સવર્ડ હેક કરીને આ કૌભાંડ આચવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મકરબા-સરખેજ વિસ્તારમાં આવેલ અલ્બુર્ઝ ફ્લેટમાં રહેતા અને આરટીઓમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારના અધિકારી તરીકે ફરજ બજાવતા શબ્બીરભાઇ મોજણીદારે ક્રાઇમ બ્રાંચમાં ચીટિંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે રાજ્યની તમામ આરટીઓમાં વર્ષ ૨૦૧૦ પહેલાના લાઈસન્સ ધારકોનો તમામ ડેટાને બેકલોગમાં ગણવામાં આવે છે અને વર્ષ ૨૦૧૦ પછીના તમામ ડેટા ઓનલાઇન થાય છે. લાઈસન્સ ધારકોનો તમામ ડેટા અપલોડ કરવા માટે સારથી-૪ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૦ પહેલાનાં તમામ લાઈસન્સ ધારકોની એન્ટ્રી સારથી-૪માં ઓનલાઇન બેકલોગ કરવી પડે છે. જેના માટે એક ક્લાર્ક અને આરટીઓ ઇન્સ્પેક્ટરની નિમણુક કરવામાં આવે છે. બેકલોગની તમામ એન્ટ્રી જે ક્લાર્ક દ્વારા કરવામાં આવે છે તેને તપાસીને મંજૂરી આપવાનું કામ ઇન્સ્પેક્ટરની હોય છે. બેકલોગની એન્ટ્રી કરવામાં કોઇ ફેરફાર કરવામાં આવતો નથી. આરટીઓની કચેરીનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ સુધીનો હોય છે. જેમાં આરટીઓના તમામ કામકાજ કરવામાં આવે છે. રવિવાર અને જાહેરરજાના સમયે કોઇપણ આરટીઓનું કામ કરવામાં આવતું નથી. સારથી-૪ સોફ્ટવેરને ઓપરેટ કરવા માટે આરટીઓના કર્મચારીને લોગ ઈન આઇડી અને પાસવર્ડ આપવામાં આવ્યો છે. લોગ ઈન આઇડી પાસવર્ડ નાખ્યા બાદ કર્મચારીના મોબાઇલમાં ઓટીપી નંબર આવે છે. જે નાખ્યા બાદ સિસ્ટમ ઓપરેટ થાય છે. તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આરટીઓના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આર.એચ.પટેલને ધ્યાનમાં આવ્યું હતું કે, તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ લાઈસન્સધારકોની ૮૧ એન્ટ્રી તથા તારીખ ૨૬ ડિસેમ્બરના રોજ ત્રણ એન્ટ્રી કરવામાં આવી છે. ૨૫ ડિસેમ્બર નાતાલ હોવાથી જાહેર રજા હતી. જ્યારે ૨૬ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ૬ વાગે ત્રણ એન્ટ્રી કરવામાં આવી છે. આર.એચ.પટેલને શંકા જતા તેમને ઊંડાણપૂર્વક તપાસ કરાવી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે, ૮૪ લાઈસન્સની એન્ટ્રી ગેરકાયદે કરવામાં આવી છે. આરટીઓના રૂલ્સ રેગ્યુલેશનનું પાલન કર્યા વગર લાઈસન્સ ધારક જેમની પાસે ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનું લાઈસન્સ છે, તે લાઈસન્સમાં ફોર વ્હીલર અને હેવી વાહનનાં લાઈસન્સ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. હેવી વ્હીકલ માટે ધોરણ ૮ પાસની લાયકાત હોય છે પરંતુ ગઠિયાઓએ ૮ પાસની લાયકાત નહીં ધરાવતા ૮૪ લોકોને ખોટાં લાઈસન્સ ઇસ્યુ કરી દીધાં છે. આ તમામ લાઈસન્સની એન્ટ્રી બેકલોગમાં કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં બેકલોગની એન્ટ્રી કલાર્ક ભરત મકવાણા અને અન્ટ્રીને મંજૂરી આપવાનું કામ આરટીઓ ઇન્સ્પેક્ટર નીતેશકુમાર ચૌધરી કરતા હતા. જેમની આ મામલે પૂછપરછ કરતાં તેમને આવી કોઇ એન્ટ્રી કરી નથી તેવું જણાવ્યું હતું. કોઇ અજાણ્યા શખ્સોએ આરટીઓનું સર્વર હેક કરીને સારથી-૪ સોફ્ટવેરને લોગ ઈન આઇડી પાસવર્ડ મેળવીને આ કૌભાંડ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગામી દિવસોમાં આ સમગ્ર કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા છે.

 

 

(10:12 pm IST)