Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

શહીદોના પરિજનોને સહાય ચૂકવવામાં ઉદારતા દર્શાવાઈ

ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો મદદમાં આવ્યા : કોંગ્રેસની જાહેરાત જાણી ભાજપના ધારાસભ્યોએ અડધો પગાર આપવા વાત સુધારી પૂર્ણ વેતન આપવા નક્કી કર્યુ

અમદાવાદ,તા. ૧૮ : પુલવામા આતંકી હુમલાના શહીદોના પરિવારોને સહાય કરવા મહિને ૧ લાખ ૧૬ હજારનો પગાર લેતા ગુજરાત ભાજપના ધારાસભ્યોની કંજુસાઈભર્યુ દિલ સામે આવ્યું હતું. ભાજપના ધારાસભ્યોએ તેનો અડધો પગાર શહીદોના પરિવાર માટે સહાયમાં આપવાની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના આખા મહિનાનો પગાર શહીદોના પરિવારજનોને દાનમાં આપવાની ઉદારતા દાખવી હતી, જેને લઇને ભાજપના ધારાસભ્ય ભારે ક્ષોભજનક સ્થિતમાં મૂકાયા હતા અને લાજ શરમના ડરથી ભાજપના ધારાસભ્યોએ પણ પોતાનો આખા મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી સમગ્ર વાત વાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભાજપના ધારાસભ્યોની કંજુસાઇ સામે આવતાં તેને લઇ ગંભીર રાજકીય ચર્ચા ચાલી હતી.

   ઉલ્લેખનીય છે કે, એડીઆર(એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ)મુજબ ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યો પૈકી ૧૪૧ એટલે કે ૭૭ ટકા ધારાસભ્યો કરોડપતિ છે. જેમાં ભાજપના સૌથી વધુ ૮૫ ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના ૫૩, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૨ અને એનસીપીના એક ધારાસભ્ય કરોડપતિ છે. ગઈકાલે બપોરે ભાજપ વિધાનસભા પક્ષની મળેલી બેઠકમાં ધારાસભ્ય દીઠ પુલવામાના શહીદોના પરિવારોને રૂ.૫૧ હજારનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. જેમાં શહીદ પરિવારોને ધારાસભ્ય દીઠ આખા મહિનાનો પગાર આપવાનો નિર્ણય કરવામાં આવતાં ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક સહિત મુખ્યમંત્રી અચાનક દોડતા થયા હતા. વિપક્ષ કોંગ્રસના ધારાસભ્યોની સહાયની જાહેરાત સામે પોતાની જાહેરાત અને સહાયની રકમ ફિક્કી પડતાં ભાજપના ધારાસભ્યોની કંજુસાઇ સામે આવી હતી. એટલું જ નહી, મોડી સાંજે ભાજપ વિધાનસભા બેઠકનો નિર્ણય બદલીને  રૂ.૫૧ હજારના બદલે ભાજપના તમામ ધારાસભ્યોનો એક માસનો પગાર આપવાનો નિર્ણય લીધો હતો. આમ શહીદ પરિવારોને સહાય આપવામાં પણ ભાજપના ધારાસભ્યોની કંજુસાઈ બહાર આવી હતી. સાથે સાથે ભાજપની છબી ક્ષોભજનક સ્થિતિમાં મૂકાતાં સમગ્ર વાત વાળવાનો પ્રયાસ કરી તાબડતોબ ભાજપના ધારાસભ્યોના પણ આખા મહિનાનો પગાર શહીદોના પરિવારજનોને સહાયમાં આપવાની જાહેરાત કરાઇ હતી. જો કે, ભાજપના ધારાસભ્યોની કંજૂસાઇ અને તેમનું દિલ કેવું છે તે સામે આવી જતાં તેને લઇ રાજકીય ગલિયારામાં જોરદાર ચર્ચા ચાલી હતી. ઉલ્લેખનિય છે કે, ગત તા.૨.સપ્ટેમ્બર ૨૦૧૮માં રાજ્યના ધારાસભ્યોના પગાર ૭૦,૭૨૭થી વધારીને ૧,૧૬,૩૧૬ અને મંત્રીઓના પગારમાં ૪૫ હજારનો વધારો કરી ૮૭ હજારથી ૧ લાખ ૩૨ હજાર પગાર કરાયો હતો. આટલો બધો પગાર વધારો થવા છતાં ભાજપના ધારાસભ્યોને શહીદોના પરિવારજનોને સહાય ચૂકવવામાં પેટમાં જાણે ચૂંક આવતી હોય તે પ્રકારે જાહેરાત કરાઇ હતી. જો કે, કોંગ્રેસના ધારાસભ્યોની ઉદારતા અને સહાયની જાહેરાત જોયા બાદ પોતે પણ આખા મહિનાનો પગાર સહાયમાં દાનમાં આપવાની વાત કરી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો.

સૌથી વધુ-સૌથી ઓછી સંપતિ ધરાવનાર સભ્ય

¨  સૌરભ પટેલ(૧૨૩ કરોડ)

¨  ધનજી પટેલ (૧૧૩ કરોડ)

¨  જવાહર ચાવડા(૧૦૩ કરોડ)

¨  સૌથી ઓછી સંપતિ ધરાવતા ત્રણ ધારાસભ્ય

¨  જીગ્નેશ મેવાણી (૧૦.૨૫ લાખ)

¨  માલતી મહેશ્વરી (૧૧.૭૬ લાખ)

¨  અર્જુન ચૌહાણ (૧૨.૫૭ લાખ)

 

 

(8:54 pm IST)