Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

'સ્ટેચ્યુ ઓફ યુનિટી' આસપાસના વિસ્તારમાં આફ્રિકા - ઓસ્ટ્રેલિયા જેવી વાઇલ્ડ લાઇફ સફારીનો થશે અનુભવ

ઝીરાફ - કોગારૂ - શાહમૃગ - હીપ્પો વગેરે ટહેલતા જોવા મળશે

નવી દિલ્હી તા. ૧૮ : પ્રવાસનને વેગ આપવા માટે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' આસપાસ વાઇલ્ડ લાઇફ સફારીનો અનુભવ પ્રવાસીઓને કરાવવા આફ્રીકા અને ઓસ્ટ્રેલિયાના પ્રાણીઓને મુકવામાં આવશે.

કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'એ લોકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું છે. સરદાર વલ્લભભાઈની આ પ્રતિમાની મુલાકાત દેશ-વિદેશના અનેક ટૂરિસ્ટ્સ લઈ ચૂકયાં છે. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ સ્ટેચ્યૂની મુલાકાતે આવતા પ્રવાસીઓને વધુ એક અનોખો અનુભવ આપવાની તૈયારી કરી રહ્યું છે. જે હેઠળ પ્રવાસીઓને 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ની આસપાસના વિસ્તારમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવો જ વાઈલ્ડ લાઈફ સફારીનો અનુભવ થશે.

ટૂંક સમયમાં જ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ની મુલાકાતે આવતા પ્રવાસીઓને આ જ વિસ્તારની આસપાસ કાંગારુ, જિરાફ અને ઝિબ્રા સહિતના વિદેશી પ્રાણીઓને જોવાનો અનુભવ મળશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે લાયન અને ટાઈગર સફારીનું ઓલરેડી સેટઅપ કરી રહ્યું છે તે હવે અનેક ખંડમાંથી વન્યસફારી પણ બનાવશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સીનિયર અધિકારીના જણાવ્યાનુસાર, 'આફ્રીકન સેકશનમાં શાહમૃગ તેમજ હિપોપોટેમસ પણ જોવા મળશે.'

ઓસ્ટ્રેલિયન સેકશનમાં wallaby (કાંગારુની પ્રજાતિનું એક પ્રાણી), cassowary (શાહમૃગ પ્રજાતિ) અને એમુ પણ જોવા મળશે. વાઈલ્ડલાઈફનો અનુભવ માણી શકે તે માટેની જમીન દોઢસો એકરમાં આ પ્રોજેકટનું નિર્માણ થશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ માટે જમીનની ફાળવણી થઈ ચૂકી છે અને નિર્માણ શરુ કરવા માટે વિસ્તૃત યોજના પણ તૈયાર કરવામાં આવી છે. 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'થી આશરે ૨૫ કિ.મી દૂર તિલકવાડા અને નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ એડવાઈઝર કમિટીએ ટાઈગર સફારી પાર્ક માટે મંજૂરી આપી દીધી છે.

એડિશનલ ચીફ સેક્રેટરી (જંગલ અને પર્યાવરણ) રાજીવ ગુપ્તાએ વધુ માહિતી આપતા કહ્યું કે,' અમે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'પાસે વિદેશી જાનવરોને લાવવાની યોજના બનાવી રહ્યાં છીએ. શરૂમાં માત્ર આફ્રિકન સિંહ જ આ પ્લાનનો ભાગ હતાં પરંતુ સીનિયર અધિકારીઓએ વિદેશી જાનવરો લાવવાનું સૂચન કર્યું હતું. જે ભારતના કોઈપણ ભાગમાં નથી જોવા મળતાં.' એક અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે અમે તેવા જાનવરોને લાવવાની કોશિશ કરીશું. જેની દેખભાળ કરવામાં પણ સરળતા રહે. આ પાર્કના કારણે પ્રવાસન ક્ષેત્રમાં વધારો થવાની આશા છે.(૨૧.૧૬)

(12:07 pm IST)