Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

નાના બુટલેગરોને સુધારશે ગુજરાત સરકાર : સજા ઘટાડાશે : રોજગારી અપાશે

ગરીબ અને બેરોજગારો રોજીરોટી માટે દારૂ વેંચે છે તેમને સીધે માર્ગે લવાશે

નવી દિલ્હી તા. ૧૮ : ગુજરાત સરકાર એક નવતર પહેલ કરી રહી છે. ગુજરાત સરકારે બુટલેગરોના પુનર્વસનનો એક કાર્યક્રમ તૈયાર કર્યો છે. સરકારે નરમ વલણ આપનાવી તેમને રોજગારી મળે તેવો પ્રયાસ કર્યો છે.

આજીવિકા રળવા માટે ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરતાં બુટલેગરો સામે રાજય સરકારે નરમ વલણ દાખવી તેમનામાં આવડત વિકસાવી રોજગાર પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે. નાના પાયે દારુનો ધંધો કરતાં બુટલેગરો કે જેઓ ૧૦ લીટરથી ઓછા IMF (ઈન્ડિયન મેડ ફોરેન લીકર) અથવા ૫૦ લીટરથી ઓછા કન્ટ્રી લીકર સાથે પકડાયા હોય તેમના માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ પહેલના ભાગરૂપે સરકારે સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ગુજરાત પ્રોહિબિશન (સુધારેલો) એકટ ૨૦૧૭ અંતર્ગત સજા અને દંડમાં પણ ઘટાડો કરવાનું નક્કી કર્યું છે.

ગૃહમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'દારૂબંધીના કાયદા મુજબ પહેલીવાર દારૂના જથ્થા સાથે પકડાયેલ શખ્સને ઓછામાં ઓછી બે વર્ષની જેલ ઉપરાંત ૧ લાખ રૂપિયા દંડ કરવામાં આવે છે. બીજી વખત પકડાય તો ૩થી વધુ વર્ષની જેલ અને ૨ લાખ રૂપિયા દંડ અને ત્રીજીવાર પકડાય તો ૭થી ૧૦ વર્ષની જેલ તેમજ પાંચ લાખ રૂપિયા દંડ ફટકારાય છે.' સરકાર હવે આ સજામાં ઘટાડો કરવા પર વિચારણા કરી રહી છે. જો કે કાયદો અમલમાં આવ્યો એ વખતે દારુના જથ્થાની લઘુત્ત્।મ માત્રા નક્કી કરવામાં આવી નહોતી.

છેલ્લા બે વર્ષોમાં ધ્યાને આવ્યું કે, ઘણાં ગરીબ અને બેરોજગારો રોજીરોટી કમાવવા માટે નાના પાયે દારૂનો ધંધો કરે છે. માટે સરકાર દારૂનો જથ્થો નક્કી કરશે અને તે મુજબ દંડ અને સજાની સ્પષ્ટ જોગવાઈ કરશે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'સરકારે કડક સજાની જોગવાઈ સંઘટિત રીતે દારૂનો વેપલો કરતાં બુટલેગરો માટે રાખવાનો નિર્ણય લીધો છે.' સૂત્રોના મતે, સરકારે હજુ સુધી નવી જોગવાઈ મુજબ દારૂના લઘુત્તમ જથ્થા અંગે નોટિસ આપી નથી. પરંતુ IMFL ૧૦ લીટર અને કન્ટ્રી લીકર ૫૦ લીટર નક્કી કરી શકે છે.

(10:08 am IST)