Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઠાકોર સમાજની શિબિરમાં અલ્પેશના નામથી હોબાળો

કેટલાક ઉમેદવારોએ અલ્પેશના નામ સામે વિરોધ : આગામી ચૂંટણી અંગે યોજવામાં આવેલ ચિંતન શિબિરમાં જોરદાર ચડસાચડસી અને ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા

અમદાવાદ,તા. ૧૭ : બનાસકાંઠા જિલ્લામાં આજે ઠાકોર સમાજની એક મહત્વની ચિંતન શિબિર મળી હતી. પાલનપુર લોકસભા ચૂંટણીને લઈને આજે પાલનપુરમાં ઠાકોર સમાજ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં સમાજના લોકોને ટિકિટ આપવાની માંગણી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. જો કે, ચાલુ બેઠક દરમ્યાન અલ્પેશ ઠાકોરનું નામ આવતા જ સમાજ આમને સામને આવી ગયો હતો અને સભા અસ્તવ્યસ્ત થઈ હતી. ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ અલ્પેશ ઠાકોરના નામ સામે ઉગ્ર વિરોધ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર બનાસકાંઠા જિલ્લાનો નથી અને તેથી બહારના લોકોને ટિકિટ આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો બીજીબાજુ, અલ્પેશના સમર્થકોએ તેમને ટિકિટની માંગ કરી હતી. જેને લઇ બેઠક દરમ્યાન ભારે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત લોકસભાની આગામી ચૂંટણીને લઇ ઠાકોર સમાજના નેતૃત્વ માટે કયા ઉમેદવારોને ટિકિટ ફાળવવી અને પેનલમાં કોના કોના નામો નક્કી કરવા તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાના હેતુસર આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ઠાકોર સમાજની એક અગત્યની ચિંતન શિબિર યોજાઇ હતી. જો કે, ઠાકોર સમાજના યુવા નેતા અને કોંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બેઠકમાં ગેરહાજર હતા પરંતુ તેમના સમર્થકો બેઠકમાં હાજર રહ્યા હતા. તેમના દ્વારા લોકસભાની ટિકિટ અલ્પેશને પણ આપવી જોઈએ તેવી માગ કરાઈ હતી. જો કે, જેવું અલ્પેશનું નામ આવતાં જ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પોપટજી ઠાકોર સહિતના કેટલાક આગેવાનોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે, બનાસકાંઠા બહારના ઉમેદવારોના નામની ચર્ચા કરવાની કોઇ જરૂર નથી. થોડીવારમાં બને પક્ષે જોરદાર ચડસાચડસી અને તકરાર શરૂ થઇ ગઇ હતી. જેને પગલે ચિંતન શિબિરમાં ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા અને એક તબક્કે સમગ્ર વાતાવરણ ડહોળાઇ ગયું હતુ. બેઠકમાં મહિલા આગેવાનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

 

(8:58 am IST)