Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

શાહપુરમાં પથ્થરમારા મામલે ૨૦૦ના ટોળા વિરૂદ્ધ ફરિયાદ

શહેરની શાંતિ ડહોળનારા તત્વો સામે કાર્યવાહી : નાગોરીવાડ પાસે ગત રાત્રે થયેલ અથડામણ-પથ્થરમારાના બનાવમાં બે પોલીસ કર્મચારીને નાની-મોટી ઇજાઓ પહોંચી

અમદાવાદ,તા. ૧૭ : શહેરના શાહપુર વિસ્તારમાં ગઇકાલે રાત્રે શહીદ જવાનોના માનમાં નીકળેલી કેન્ડલ માર્ચ દરમ્યાન નાગોરીવાડ પાસે થયેલી જૂથ અથડામણ અને પથ્થરમારાના ચકચારભર્યા પ્રકરણમાં શાહપુર પોલીસે આખરે સમગ્ર મામલે ગંભીરતા દાખવી ૨૦૦ લોકોના ટોળા સામે રાયોટીંગનો ગુનો નોંધી ૩૫ જણાંની ધરપકડ કરી હતી. શહેરની શાંતિ ડહોળનારા તત્વો વિરૂધ્ધ પોલીસની આ આકરી કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે,નાગોરીવાડ પાસે ગઇ મોડી રાત્રે થયેલી જૂથ અથડામણ અને પથ્થરમારાના બનાવમાં બે પોલીસકર્મીને પથ્થર વાગતા ઇજા થઇ હતી. એક તબક્કે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને ટીયરગેસના શેલ છોડવાની પણ ફરજ પડી હતી. આ અંગેની વિગત એવી છે કે, જમ્મુ-કશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલાના વિરોધમાં અને શહીદ જવાનોના માનમાં ગઈકાલે રાત્રે શાહપુર વિસ્તારમાં નીકળેલી કેન્ડલ માર્ચ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા પછી રેલી પર કોઈએ કાંકરીચાળો કર્યો હતો. જેમાં બે જૂથ આમને-સામને આવી ગયા હતા અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. શાહપુર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવતી હતી ત્યારે ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મી ઘાયલ થયાં હતાં. ટોળાએ એક કારમાં પણ આગ લગાડી હતી, જેને લઇ સમગ્ર વાતાવરણ ડહોળાયુ અને પરિસ્થિતિ બેકાબૂ બની હતી. સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે કુલ સાત ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી અને ભારે જહેમત બાદ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને ટોળાને વિખેરી નાંખ્યા હતા. આ સમગ્ર ગુનામાં પોલીસે આખાય વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને શાંતિ ડહોળવામાં ભૂમિકા ભજવનારા ૩૫ જણાંની ધરપકડ કરી હતી. પોલીસે જૂથ અથડામણ અને પથ્થરમારાના આ બનાવ સંદર્ભે ૨૦૦ જણાંના ટોળા સામે પણ રાયોટીંગ સહિતના ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

(9:36 pm IST)