Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષનો પદ કાલે સંભાળશે

વિધાનસભાના ૧૮માં સ્પીકર તરીકે ત્રિવેદી નિશ્ચિત : સત્તાપક્ષ અને વિપક્ષ બંનેમાં અધ્યક્ષ પદને લઇને સહમતિ વિજય રૂપાણી સ્પીકરરૂપે ત્રિવેદીના નામનો પ્રસ્તાવ મુકશે

અમદાવાદ,તા. ૧૮ :ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની આવતીકાલે તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જો કે, આ ચૂંટણી ઔપચારિક જ છે, કારણ કે, ભાજપના રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષપદે નિશ્ચિત જ છે.  સત્તાપક્ષ અને વિપક્ષ બંને વચ્ચે સહમતિ દેખાઈ રહી છે. ત્રિવેદી ૧૪મી વિધાનસભાના ૧૮માં સ્પીકર તરીકેની જવાબદારી સંભાળશે. વિધાનસભામાં સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી રૂપાણી તેમના નામનો પ્રસ્તાવ મુકશે. ત્યારબાદ વિપક્ષના નેતા સમર્થન આપશે. ત્રિવેદી વિધાનસભા અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે ત્યારે ભાજપે ક્ષેત્રિય સંતુલન જાળવવાના પ્રયાસ કર્યા છે. આવતીકાલે વિધાનસભા અધ્યપક્ષપદની ચૂંટણી સંપન્ન થયા બાદ અને નવા અધ્યક્ષની જાહેરાત બાદ ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલી વિધાનસભામાં તેમનું ખાસ પ્રવચન પણ આપશે. બીજીબાજુ, આવતીકાલથી વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થઇ રહ્યું છે.  ગુજરાત વિધાનસભા બજેટસત્ર પહેલાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા પક્ષના તેના ઉપનેતા અને દંડક તરીકે અનુક્રમે શૈલેષ પરમાર અને અમિત ચાવડાની નિમણૂંક કરવામાં આવી હતી. કોંગ્રેસપક્ષ દ્વારા ભાજપ સરકાર સમક્ષ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે કોંગ્રેસના ધારાસભ્યની નિયુકિત કરવાની પહેલેથી જ માંગણી કરાયેલી છે જો કે, હજુ સુધી સરકાર દ્વારા કોંગ્રેસની આ માંગણી મુદ્દે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભાજપ દ્વારા સત્તાવાર રીતે વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદ કરાયેલા વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ ગઇકાલે વિધિવત્ રીતે અધ્યક્ષ પદ માટેનું ફોર્મ ગુજરાત વિધાનસભા ખાતે ભર્યું હતું. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ રાજેન્દ્ર ત્રિવેદીને શુભેચ્છા પણ પાઠવી હતી. હવે આવતીકાલે વિધાનસભા અધ્યક્ષપદની ચૂંટણી છે પરંતુ સર્વાનુમતે રાજેન્દ્ર ત્રિવેદી જ નિશ્ચિત હોઇ આવતીકાલે તેઓ પોતાનો નવો પદભાર સંભાળી લેશે. તેનું એક કારણ એ પણ છે કે, આવતીકાલથી જ વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષની નિયુકિત બાદ રાજયના રાજયપાલ ઓ.પી.કોહલી તેનું ખાસ પ્રવચન વિધાનસભા ગૃહમાં આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતીથી ભાજપ સરકાર બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની નવી સરકારમાં પણ મંત્રીમંડળની રચના બાદ એક પછી એક મુદ્દાઓને લઇ નારાજગી જોવા મળી હતી. જેમાં નાણાંખાતાને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિરોધનો વિવાદ ખૂબ ચગ્યો હતો. એટલું જ નહી, વડોદરા શહેર જિલ્લા ખાસ કરીને મધ્ય ગુજરાતના પ્રતિનિધિત્વને પ્રધાનમંડળમાં સ્થાન નહી મળતાં રાજેન્દ્ર ત્રિવેદીનું નામ કપાતાં એક વર્ગ નારાજ થયો હતો. બીજીબાજુ, મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ મંત્રી પદ લેવા સામે નારાજગી દર્શાવી હતી.

આમ, ભાજપ માટે એક પછી એક પડકારજનક સ્થિતિ આવીને ઉભી હતી, ત્યારે મધ્યગુજરાતના પ્રતિનિધિત્વને ન્યાય આપવાના ભાગરૂપે આખરે ભાજપ દ્વારા વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને અધ્યક્ષપદે નિયુકિત કરવાનું નક્કી કરાયું હતું અને તે મુજબ તમના નામની આખરે પસંદગી થઇ હતી.

અગાઉની સરકારમાં ત્રિવેદી મંત્રી હતા....

પ્રોફેશનથી ત્રિવેદી દ્રષ્ટિએ વકીલ છે

અમદાવાદ,તા. ૧૮ :પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા સીટના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી પ્રોફેશનથી વકીલ છે. ૬૩ વર્ષીય ત્રિવેદી વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ વખતે વિધાનસભામાં તેમની બીજી ઇનિંગ્સ રહેશે. ત્રિવેદી અગાઉની સરકારમાં રમત-ગમત, યુવા મામલા અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી તરીકે હતા.

(9:29 pm IST)