Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગાંધીનગર:મહેસાણા-અડાલજ હાઇવે નજીક શેરથા કટ પાસે પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલ કાર સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી

ગાંધીનગર:નજીક મહેસાણા-અડાલજ હાઈવે ઉપર દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે અડાલજ પોલીસે શેરથા કટ પાસે બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૃ ભરેલી કારને ઝડપી પાડી હતી અને જેમાં સવાર રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. વિદેશી દારૃની ૧૯૮ બોટલ સાથે પ.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે દારૃ ભરી આપનાર ચાર શખ્સો સામે પણ ગુનો નોંધીને તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપરથી પસાર થતાં આવા દારૃ ભરેલા વાહનો પકડવા માટે પોલીસ બાતમીદારોને સક્રિય કરી વોચ ગોઠવી રહી છે. ત્યારે અડાલજ પોલીસ મથકના પીઆઈ ડી.એ.ચૌધરીને બાતમી મળી હતી કે મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર જીજે-ર૭-સીએફ-૧૪૨૫ નંબરની કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને લઈ જવાઈ રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે શેરથા કટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર ત્યાંથી પસાર થતાં પોલીસે ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. જો કે પોલીસ જવાને ઉભી નહીં રહેલી કારના કાચ ઉપર દંડો મારતાં કાચ ફુટી ગયો હતો અને ચાલકે કાર ઉભી રાખી દીધી હતી. તેમાં સવાર સુરેશકુમાર મોહનલાલ બ્રાહ્મણ રહે.ઈરકનકા થાન બાડમેર,  રમેશ ચંદનારામ પ્રજાપતિ રહે.સાંચોર અને દિનેશ આસુરામ લોહાર રહે.સાંચોર રાજસ્થાનને ઝડપી પાડયા હતા. કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૃની ૧૯૮ જેટલી બોટલ મળી આવી હતી. આ દારૃ સંદર્ભે પુછતાં માઉન્ટ આબુ રોડ ઉપર નારણસિંહ રાજપુત તથા વિનોદ સીંધીના કહેવાથી તેના માણસ ડુંગરસિંહ અને વિષ્ણુભાઈ ઉર્ફે ભજનલાલ બિસ્નોઈએ ભરી આપ્યો હોવાનું તેમજ એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચીને ફોન કરી ડીલીવરી આપવાની હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે સાતેય શખ્સો સામે ગુનો નોંધી દારૃ કાર અને મોબાઈલ મળી પ.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.

(5:52 pm IST)