Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

વડોદરા અને જીલ્લામાં કોરોના વેક્‍સીન લીધા બાદ 5 મહિલા સહિત 10 લોકોને તાવ અને ચક્કર આવ્‍યાઃ 5 લોકોને દવા વગર સારૂ થઇ ગયુ

અમદાવાદ: દેશમાં કોરોના મહામારી વચ્ચે વેક્સીનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. પરંતુ વચ્ચે ઘણા લોકોમાં વેક્સીનની આડઅસર જોવા મળી રહી છે. ત્યારે વડોદરા જિલ્લામાં પણ વેક્સીન લીધા બાદ 5 મહિલા સહીત 10 લોકોને તાવ અને ચક્કર આવતા હોવાના સમાચાર સામે આવ્યા છે.

વડોદરા શહેર જિલ્લામાં કોરોના વેક્સીન લીધા બાદ 5 મહિલા સહીત 10 લોકોમાં તાવ અને ચક્કર આવતા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, તેમાંથી 5 લોકોને કોઈપણ દવા લીધા વગર સારું થઈ ગયું હતું. ત્યારે એક આશા વર્કરને પોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, તમામ લોકોમાં તાવના સમાન્ય લક્ષ્ણો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારી વચ્ચે વેક્સીનેશન અભિયાન વચ્ચે ઘણા લોકોમાં વેક્સીનની પ્રતિકૂળ અસર જોવા મળી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના વેક્સીનેશન બાદ અત્યાર સુધીમાં 447 લોકોમાં પ્રતિકૂળ અસર જોવા મળી છે. તેમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પહેલા દિલ્હીમાં 52 હેલ્થ વર્કર્સને રસી અપાયા બાદ સમસ્યા હોવાનું જણાવાયું હતું. તેમાંથી કેટલાકે એલર્જીની ફરિયાદ કરી હતી અને કેટલાક ગભરાટની સમસ્યા થઈ હતી. જો કે, આજે કોરોના વેક્સીનેશનના અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,24,301 લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, સરકારે દરેક સેન્ટર પર એક એઈએફઆઇ કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં રસી લગાવ્યા બાદ સાઇડ ઇફેક્ટ્સ સામે આવતા ચેકઅપની સુવિધા મળે છે. તમને જણાવી દઇએ કે, 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશનની શરૂઆત પીએમ મોદીએ એક વીડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી કરી હતી. ત્યારબાદ દેશભરમાં લગભગ 3300 સ્થળો પર વેક્સીનેશન કરવામાં આવ્યું.

(5:28 pm IST)