Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અમદાવાદ જુહાપુરા-ફતેહવાડી વિસ્‍તારમાં રમી રહેલા બાળક ઉપર 4 થી 5 કૂતરાનો હૂમલોઃ ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવારમાં

અમદાવાદ: શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે કોર્પોરેશન કુતરાઓ પાછળ જે કરોડોનો ધુમાડો કરે છે તે ક્યાં જાય છે તે એક મોટો સવાલ છે. અમદાવાદમાં જુહાપુરાની ફતેહવાડીમાં આવેલા વન નગરમાં વહેલી સવારે હસન નામનો બાળક ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે ચારથી પાંચ કુતરાઓએ બાળક પર હૂમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હસનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સ્થિતી સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે કુતરાના હુમલા બાદ સ્થાનિકોમાં કોર્પોરેશનથી માંડીને કોર્પોરેટર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા થોડા સમયથી કુતરાઓનો આતંક ખુબ વધી ગયો છે. વારંવાર રજુઆતો છતા પણ કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોને પણ કુતરાઓ કરડી ગયા હોવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જો કે કોર્પોરેશનની ટીમ દ્વારા અહીં માત્ર કાગળ પર કાર્યવાહી કરવામાં આવે છે. જો કે ઘટના બાદ લોકોમાં ખુબ રોષ જોવા મળી રહી છે.

ફતેહવાડી કેનાલ પાસે આવેલા એવન નગરમાં 8 વર્ષનો હસન રહે છે. હસન સવારે પોતાના ઘરની બહાર રમતો હતો ત્યારે અચાનક પાંચ કુતરાઓ તેના પર હુમલો કર્યો હતો. હસનને ગળાના ભાગે, પીઠ પર અને પગમાં બચકા ભરી લીધા હતા. તેના બરડા પર ગંભીર ઇજા પહોંચાડી હતી. જો કે સ્થાનિકોએ બહાર આવી હસનને બચાવીને તત્કાલ તેને 108 દ્વારા સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. સ્થિતી સ્થિર હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે.

(5:24 pm IST)