Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

એસ.ટી.ની સવારી-સલામત સવારીઃ ગુજરાત એસ.ટી.ની હેટ્રીક

ભારત સરકારનો અત્યંત મહત્વનો દેશભરમાં સૌથી ઓછા અકસ્માત (૦.૦૬ ટકા) સંદર્ભે ગુજરાત એસ.ટી.ને દિલ્હી ખાતે એવોર્ડ અપર્ણ કરાયો :કાર્યદક્ષ મુખ્યમંત્રીની ગૌરવ ગાથામાં વધુ એક અધ્યાય ઉમેરાયોઃ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફટી વિજેતા ટ્રોફી અપાઇ : ર લાખનો ચેક પણ અપાયોઃ ડ્રાઇવરોને સતત શિક્ષણઃ આંખો અને વારંવાર મેડીકલ ચેક અપઃ ભૂતકાળની દુર્ઘટનાઓ અંગે વિશ્લેષણઃ માસ્ટર ટ્રેનરની નિયુકિત તથા ઝીરો અકસ્માત વાળા ડેપોનું સન્માન-અકસ્માતો ઘટવા પાછળ મુખ્ય કારણ.વિજયભાઇ પોતાના ડેસ્કબોર્ડ ઉપરથી એસ.ટી.ની સેવા અંગે ડાયરેકટ નજર રાખે છે, રોજેરોજ રીપોર્ટ પણ કરાય છે

રાજકોટ તા. ૧૮ :.. દેશભરમાં ગુજરાત એસ.ટી.ની મુસાફરી સૌથી વધુ સલામત અને સુરક્ષિત હોવાનું જાહેર થયું છે, આ સાથે ગુજરાત એસ.ટી.એ આ એવોર્ડ મેળવી ઇતિહાસ સજર્યો છે, હેટ્રીક ફટકારી છે, સલામત સવારી-એસ.ટી. અમારી -એ સુત્રને ગુજરાત એસ. ટી. બોર્ડના ૭ લાખ કર્મચારીઓ - અધિકારીઓએ સાર્થક કર્યુ છે, આજે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ગુજરાત એસ. ટી. ને કેન્દ્રના પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીના હસ્તે એક શાનદાર સમારોહમાં અપાયો હતો, જેમાં વિજેતા ટ્રોફી અને ર લાખ રૂપિયાનો પુરસ્કાર અપાયો હતો, અને આ સામે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગૌરવ ગાથામાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે.

ગુજરાત એસ.ટી.એ દર એક લાખ કિ. મી. પર અકસ્માતની ટકાવારી માત્ર ૦.૦૬ ટક જાળવી રાખી દેશભરમાં નંબર વન સ્થાન મેળવ્યું છે.

આ સ્થિતિ એવી છે કે હાલ ગુજરાત એસ. ટી.ની બસો દરરોજ ૩પ લાખ કિલો મીટર દોડે છે, અને દરરોજ રપ લાખ મુસાફરો મુસાફરી કરે છે.

ભારત સરકારના સડક પરિવહનના એસો. ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અંદરટેકીંગ તરફથી ગુજરાત એસ. ટી. ને સતત ત્રીજી વખત સલામત-સુરક્ષિત સવારી અંગે એવોર્ડ અપાયા છે.

એસ. ટી. નિગમની ૭પ૦૦ રૂટની સંખ્યામાં ૧ લાખ કિલો મીટરની સુરક્ષિત - સલામત તથા મીનીમમ અકસ્માત અને તે સાથે સફળ બસ લેવા ઉપલબ્ધ કરાવવા સંદર્ભે  એસ. ટી. ને ર૦૧૯-ર૦, ર૦ર૦-ર૧ માટે આ એવોર્ડ જાહેર થયો છે, આ પહેલા ર૦૧૮-૧૯ નો ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર રોડ સેફટી એવોર્ડ પણ મળી ચૂકયો છે.

અત્રે એ નોંધવુ જરૂરી કે ર૦૦૯-ર૦૧૦ માં અકસ્માત ટકાવારી ૦.૧૧ ટકા હતી, જે ૧૦ વર્ષમાં સુધરી ર૦૧૯-ર૦ર૦ માં ઘટીને માત્ર ૦.૦૬ ટકા રહી છે.

મહત્વની બાબત એ પણ છે કે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પોતાના સીએમ ડેસ્ક બોર્ડ મારફત એસ. ટી. ની સેવાઓ ઉપર ડાયરેકટ નજર રાખે છે, અને આને કારણે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

સતત ત્રીજી વખત આ એવોર્ડ મળ્યો તેની પાછળ મૂખ્ય કારણ એ છે કે ભૂતકાળમાં થયેલા અકસ્માતો અંગે સમીક્ષા કરી તે મુજબ ડ્રાઇવરોને અપાયેલ પ્રશિક્ષણ, સેફટી માસ્ટર ટ્રેનરની નિયુકિત, ડ્રાઇવરોની આંખોની ચકાસણી, બીપી, ડાયાબીટીશ, મેડીકલ ચેકઅપ, ઓવરસ્પીડ, બ્રેકડાઉન પર કમાન્ડ, અને જે ડેપોનો અકસ્માતનો દર ઝીરો હોય તે ડેપોનું સન્માન વિગેરે છે.

(11:57 am IST)